સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ગુજરાતના ચૂંટણી પ્રવાસ બાદ હવે દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ માટે રાહુલ ગાંધી આવતીકાલે તા.૧લી નવેમ્બરે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસની શરૂઆત ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી કરવાના છે. તો, પારિદામાં રોડ-શો યોજશે. આ સિવાય વ્યારાથી ડોલવણ સુધી પણ રાહુલ ગાંધી વિશાળ રોડ-શો યોજી લોકોની વચ્ચે રહેશે. નવસારી અને સુરતમાં પણ રાહુલ ગાંધીની વિશાળ જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી લોકો સાથે સીધો સંવાદ યોજશે અને ખાસ કરીને મહિલાઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનોની વ્યથા સાંભળશે.કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.૧થી ૩ નવેમ્બર દરમ્યાન દક્ષિણ ગુજરાતના તેમના ત્રીજા તબક્કાના ચૂંટણી પ્રવાસમાં ભરૂચ, તાપી, નવસારી, વલસાડ, સુરત સહિતના જિલ્લાઓમાં ૪૫૦ કિલોમીટરથી વધુનો પ્રવાસ ખેડશે. ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેથી આવતીકાલે રાહુલ ગાંધી પોતાના ચૂંટણી પ્રવાસની શરૂઆત કરશે. જયાં સવારે ૧૧ વાગ્યે સીટી ગ્રાઉન્ડ ખાતે સ્થાનિક લોકો સાથે કોર્નર મીટીંગ યોજશે. ૧૧-૫૦એ આમોદ ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરાશે, ૧૨-૩૫ મિનિટે વાગરા વિધાનસભા વિસ્તારમાં દાયદરા ખાતે અસરગ્રસ્ત ખેડૂતો સાથે જમીન સંપાદન મુદ્દે ચર્ચા કરશે, ૨-૦૦ વાગ્યે જંબુસર ચોકડી ખાત અને ૨-૪૦ મિનિટે પાંચ બત્તી ખાતે સ્વાગત કાર્યક્રમ, ૩-૪૫એ અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે કોર્નર મીટીંગ, ૫-૩૦એ ઝંખવાવ ખાતે કોર્નર મીટીંગ, ૬-૩૦એ માંડવી બસ સ્ટેન્ડ ખાતે કોર્નર મીટીંગ, ૭-૨૫એ સુરતના મહુવા વિધાનસભા મતક્ષેત્રમં મઢી ખાતે સ્વાગત અને રાત્રે તાપી જિલ્લાના વ્યારા ખાતે રાહુલ રાત્રિ રોકાણ કરશે. બાકીના બે દિવસ દરમ્યાન રાહુલ ગાંધી તેમના નિયત કાર્યક્રમો મુજબ, સુરતના પાટીદારોના ગઢ ગણાતા એવા પૂર્વ વિસ્તારમાં રાહુલ ગાંધી વિશાળ જાહેરસભા સંબોધશે. આ સિવાય રોડ-શો, લોકસંવાદ અને રૂબરૂ માલાકાત દ્વારા તેઓ પ્રજાની વચ્ચે રહી કોંગ્રેસ તરફી લોકજુવાળ ઉભો કરશે. રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર ઝોન અને મધ્ય ઝોનના ચૂંટણી પ્રવાસની જબરદસ્ત સફળતા અને સાંપડેલા અભૂતપૂર્વ લોકસમર્થન બાદ ગુજરાત કોંગ્રેસમાં જોરદાર ઉત્સાહ અને ઉર્જાનો સંચાર થયો છે અને તેથી હવે રાહુલના દક્ષિણ ગુજરાતના ચૂંટણી પ્રવાસને સફળ બનાવવા તેમના ખાસ રોડ-શો, જાહેરસભા અને લોકસંવાદ કાર્યક્રમોનું કોંગ્રેસ દ્વારા આયોજન કરાયું છે.
આ માટે કોંગ્રેસે બે દિવસ પહેલાં જ દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ અને આગેવાનોની એક મહત્વની બેઠક પણ યોજી હતી, જેમાં રાહુલ ગાંધીના પ્રચાર પ્રવાસને લઇ ખાસ માર્ગદર્શિકા અને રણનીતિ જારી કરી હતી. રાહુલ ગાંધી તેમના દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન ડાંગના સુપ્રસિધ્ધ શબરીધામ મંદિર, ઉનાઇમાં ઉનાઇ માતાના મંદિર સહિતના ધાર્મિકસ્થાનોના દર્શન કરે તેવી પણ શકયતાઓ છે. રાહુલ ગાંધી આ વખતે પણ કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર પર નોટબંધી, જીએસટી ઉપરાંત, બેરોજગારી, ખેડૂતો, મહિલાઓ સહિતના મુદ્દે આકરા પ્રહારો કરે તેવી શકયતા છે.