છત્તિસગઢમાં બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી અને કોંગ્રેસ સાથે છેડો ફાડી ચુકેલા અજિત જોગી વચ્ચે ચૂંટણી પૂર્વેના ગઠબંધનની જાહેરાતથી ભારતીય જનતા પાર્ટીને કેટલાક અંશે ચોક્કસપણે રાહત થઇ છે.
મહાગઠબંધનની શક્યતાને લઇને ચિંતિત ભાજપને હવે લાગે છે કે માયાવતીના મધ્યપ્રદેશ અને રાજસ્થાનને લઇને વલણના કારણે પાર્ટીને રાહત થઇ શકે છે. પાર્ટી સુત્રોના કહેવા મુજબ પાર્ટી છત્તિસગઢ, મધ્યપ્રદેશ અને રાજ્સ્થાનમાં જી મેળવીને લોકસભા ચૂંટણી માટે માહોલ સર્જવા માટે ઇચ્છુક છે. પાર્ટીને લાગી રહ્યુ હતુ કે જો મહાગઠબંધનની તરફ વધી રહેલા વિપક્ષમાં કોંગ્રેસ ત્રણેય રાજ્યોમાં બહુજન સમાજવાદી પાર્ટીને સાથે લઇ લેશે તો ભાજપ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ જશે. આનુ કારણ એ છે કે ત્રણેય રાજ્યોમાં બહુજન સમાજ પાર્ટી ત્રણથી છ ટકા મત ધરાવે છે. છેલ્લી ચૂંટણીના પરિણામોને જોવામાં આવે તો આ ઘટનાક્રમ અને વોટ બંને ખુબ મહત્વપૂર્ણ છે. પાર્ટીને લાગે છે કે જો બહુજન સમાજવાદી પાર્ટી ત્રણેય રાજ્યોમાં કોંગ્રેસથી અલગ થઇને ચૂંટણી લડશે તો ભાજપ વિરોધી મત વિભાજિત થઇ જશે અને આનો લાભ ભાજપને મળશે.છેલ્લી વખતે મધ્યપ્રદેશમાં ભાજપને ૪૫ ટકા મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને ૩૭ ટકા મત મળ્યા હતા. જ્યારે બસપને સવા છ ટકા મત મળ્યા હતા. આવી જ રીતે કોંગ્રેસ અને બસપ મત મળી જશે તો બાજપ માટે મુશ્કેલી વધી શકે છે. છત્તિસગઢ અને રાજસ્થાનમાં પણ આવી જ સ્થિતી રહેલી છે. ભાજપના ઉપાધ્યક્ષ પ્રભાત ઝાએ કહ્યું છે કે, બહુજન સમાજ પાર્ટી મળીને લડે કે પછી અલગ થઇને લડે ભાજપને કોઇ ફરક પડતો નથી.