ચાલુ સાલે ચોમાસામાં સારો વરસાદ વરસતાં ખેડૂતો દ્વારા વ્યાપક પ્રમાણમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.જેનો મબલખ પાક તૈયાર થતાં ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માર્કેટ યાર્ડમાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતાં ખેડૂતો ડાંગરના વેચાણ માટે ટ્રેકટરોની લાઇન લગાવી રહ્યા છે.
ચાલુ સાલે ચોમાસા દરમ્યાન સારા પ્રમાણમાં વરસાદ થતાં ખેડૂતો દ્વારા ડાંગરનું વિપુલ પ્રમાણમાં વાવેતર કરાયુ હતુ. જેના ફળ સ્વરૂપ મબલખ ઉત્પાદન થયા બાદ દહેગામ માર્કેટ યાર્ડ ખાતે ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ડાંગરની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવાઇ છે. દહેગામ માર્કેટ યાર્ડમાં ડાંગરના પ્રતિ કિલો ૩૧૦ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ છે.
દહેગામ માર્કેટ યાર્ડ મોટુ યાર્ડ હોવાથી દહેગામ તાલુકા ઉપરાંત નજીકના અરવલ્લી,સાબરકાંઠા તેમજ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ખેડૂતો પણ ડાંગર વેચવા માટે લાઇનો લગાવે છે.
માર્કેટ યાર્ડ ખાતે છેલ્લા આઠેક દિવસથી ૨૫૦ જેટલા ટ્રેકટરોમાં ખેડૂતો ડાંગર વેચવા આવતાં હોવાથી રોડ પર લાંબી લાઇનો લાગી રહી છે. દહેગામ યાર્ડમાં રોજ સાતથી સાડા સાત હજાર બોરી ડાંગરની આવક ઠલવાતાં અત્યાર સુધીમાં સિતેર હજારથી વધુ બોરીની આવક યાર્ડ ખાતે થઇ હોવાનું અને ડાંગરની આવક આગામી ૨૦થી ૨૫ દિવસ સુધી રહેનાર હોવાનું ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન સુમેરૂભઇ અમીને જણાવ્યુ હતુ. દહેગામની માર્કેટ યાર્ડમાં ડાંગરના પાકની મબલખ આવક થતાં યાર્ડ ડાંગરથી છલકાઇ જતા ખેડુતોએ પાક વેચવા માટે ભારે પડાપડી કરી હતી.