મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્યમાન ભારતનો રાજ્ય પ્રારંભ કરાવતા આ યોજના દેશના ગરીબો માટે સોનાનો સૂરજ લાવનારી ગણાવી છે. તેમણે કહ્યું કે આજ દિવસ સુધી ગરીબોના નામે સરકારો બનતી. ગરીબી હટાવો ના નારા લાગતા પણ ગરીબ ઠેર નો ઠેર જ રહ્યો છે. રૂપાણીએ આ આયુષ્યમાન ભારત યોજનામાં ગરીબોને પાંચ લાખ સુધીનું આરોગ્ય રક્ષા કવચ મળશે તેની ભૂમિકા આપતાં ઉમેર્યું કે રાજ્ય સરકાર પણ મધ્યમ વર્ગીય પરિવારોની પડખે સંવેદન શીલતાથી ઉભી છે અને ગંભીર બીમારીની સારવાર માટે માં અમૃતમ વાત્સલ્યમ યોજના ૩ લાખ સુધીના આરોગ્ય કવચ માટે અમલી કરી છે.
તેમણે માર્ગ અકસ્માત ના કિસ્સા માં કોઇ પણ નાગરિકને ત્વરિત તાત્કાલિક સારવાર મળે તે માટે ૫૦ હજાર રાજ્ય સરકાર આપે છે તેની પણ ભૂમિકા આપી હતી. છેવાડાના ગરીબ વંચિત પરિવારો અને પ્રજાવર્ગો ની આરોગ્ય સુખાકારીની સર્વગ્રાહી ચિંતા કેન્દ્ર અને રાજ્યની આ સંવેદનશીલ સરકારે કરી છે તે આ આયુષ્યમાન ભારત યોજનાથી વધુ એકવાર પુરવાર થયું છે. વાસ્તવમાં ન ગરીબોનો વિચાર કેન્દ્રમાં રહ્યો કે ન મૂળભૂત પાયાની આવશ્યકતાઓ પર ધ્યાન અપાયું.આના પરિણામે ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઇ અને સમતોલ વિકાસ ન થઈ શક્યો.
હવે દેશમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એવી સરકાર છે જેના હૈયે ગરીબ, વંચિત પીડિત, ગામડું સૌના સમ્યક વિકાસનું હિત સમાયેલું છે. રૂપાણીએ કહ્યું કે જનધન યોજનાથી કરોડો ગરીબોના બેન્ક ખાતા ખોલાવીને તેમને મળતી સહાય સીધી તેમના ખાતામાં જમા કરાવી વચેટિયા નાબૂદ કર્યા છે.
આરોગ્ય સુરક્ષા જ નહીં ગરીબો ને આવાસ ગેસના કનેક્શન. ઘર શૌચાલય ઘર ઘર વિજળી જેવી તમામ સુવિધાઓ કેન્દ્રની ભાજપા સરકારે આપી છે. ગરીબોની બેલી અને નોંધારા નો આધાર બની કેન્દ્ર અને રાજ્ય સરકાર સ્વસ્થ તન્દુરસ્ત સમાજ નિર્માણ માટે સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે સ્વસ્થ સમાજ જ વિકાસ ના નવા પરિમાણો સાકાર કરી શકે. આપણે એવા સ્વસ્થ સ્વચ્છ સમાજનું નિર્માણ કરી ને ભારત ની ગંદા બીમાર અસ્વચ્છ ગરીબ દેશ ની છબિ દૂર કરી સૌને વિકાસમાં સહભાગી બનાવવા છે.