આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનનમાં તેલુગુદેશમ પાર્ટીના બે નેતાઓની નકસલવાદીઓ દ્વારા ઘાતકી હત્યા કરી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. અરાકુના ધારાસભ્ય કિદારી સર્વેસ્વરા રાવ તથા પૂર્વ ધારાસભ્ય શિવેરીસોમાની હત્યા કરી દેવામાં આવી છે. બંને નેતાઓના ઘટના સ્થળે જ મોત થતા સ્થાનિક સમર્થકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. એમ માનવામાં આવે છે કે ૬૦થી વધારે નકસલવાદીઓની ટોળકી દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ પણ સામેલ હતી. વિખાશાપટ્ટનમના ડીઆઈજી શ્રીકાંતે માહિતી આપતા કહ્યું છે કે નકસલીઓ અંગે માહિતી મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે. ઉંડી તપાસ ચાલી રહી છે. નકસલીઓએ તમામ રાજનેતાઓને એલર્ટ કર્યા હતા. સાથે સાથે નેતાઓને નકસલી હિટ લિસ્ટમાં હોવાની વાત કરી હતી પરંતુ આ બંને નેતાઓ ચેતવણીની અવગણના કરીને ડુબરીગુડા પહોંચી ગયા હતા. પોલીસને તેઓ પહોંચી રહ્યા છે તે અંગે કોઈ માહિતી ન હતી. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે અરાકુ ખીણમાં બંને પર નકસલવાદીઓએ છુપી રીતે ભીષણ હુમલો કરી દીધો હતો. હુમલામાં રાવના અંગત સહાયકનું પણ મોત થયું છે. ગોળીબારમાં ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. રાવ વાયએસઆર કોંગ્રેસમાંથી છેડો ફાડીને થોડા સમય પહેલા જ ટીડીપીમાં સામેલ થયા હતા. ચંદ્રબાબુ નાયડુ સરકારમાં મંત્રી પદ મેળવાની આશામાં હતા પરંતુ તે પહેલા જ આ બનાવ બની ગયો છે. નકસલવાદીઓ દેશના જુદા જુદા ભાગોમાં જોરદાર રીતે સક્રિય રહેલા છે.
સુરક્ષા દળો દ્વારા પહેલાથી જ સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મોટાપાયે નકસલીઓ હજુ પણ સક્રિય રહેલા છે.