વડાપ્રધાન દ્વારા તારીખ ૦૮ એપ્રિલ ર૦૧પના રોજ દેશના વિકાસ માટે તેમજ નાના અને કુટીર ઉદ્યોગ સાહસિકોને મદદરૂપ થવા માટે બાહેંધરી વગરની મુદ્રા યોજનાનો શુભારંભ થયેલ છે. જે અંતર્ગત ભારતીય સ્ટેટ બેંક, એસએમઈ સેન્ટર, ભાવનગર એડમીન ઓફિસ તથા રિજિયન-૧ દ્વારા મુદ્રા યોજનાનો સેમિનાર યોજવામાં આવેલ. જેમાં કુલ ૧૦૭ લાભાર્થીઓને રૂપિયા ૩.૩૦ કરોડના મંજુરી પત્ર આપવામાં આવ્યા હતા.
આ સેમીનારમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર મહાપાલિકાના ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ તેમજ એસબીઆઈના ડેપ્યુટી જનરલ મેનેજર જ્ઞાનેન્દ્ર જૈન તથા એજીએમ જલારામ ઠક્કર હાજર રહી લાભાર્થીઓને યોજનાની માહિતી આપવામાં આવી તેમજ એસબીઆઈના ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા આ યોજના વિવિધ સમાજના લોકો સુધી પહોંચાડવા આવા વધુ સેમીનાર યોજવા હાકલ કરી છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસએમઈ સેન્ટરના ચીફ મેનેજર આત્મારામ વસાવા, વિકાસ શર્મા, નિરંજન કુમાર, દેવાંગ જોશી અને રાજેશ વ્યાસે જહેમત ઉઠાવી હતી.