પુર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિંહા ૧૪ નવેમ્બરથી ૩ દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત એનજીઓ લોકશાહી બચાવ અભિયાન હેઠળ આયોજીત થઇ રહી છે કે જેને કોંગ્રેસનું સમર્થન છે. તેમની આ મુલાકાત કોંગ્રેસ માટે લાભદાયી બને તેવી શકયતા છે કારણ કે તાજેતરમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર ઉપર આર્થિક પરિસ્થિતિને લઇને તીખા પ્રહારો કર્યા હતા. આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમ પણ તાજેતરમાં રાજકોટ આવ્યા હતા અને તેમણે જીએસટી મામલે રાજકોટના વેપાર ઉદ્યોગ સાથે વાતચીત કરી હતી. હવે યશવંત સિંહા પોતાની આ સુચિત મુલાકાત દરમિયાન રાજકોટ, અમદાવાદ અને સુરતના વેપારીઓ સાથે વાતચીત કરશે. એક વરિષ્ઠ કોંગ્રેસના નેતાના જણાવ્યા પ્રમાણે પી.ચિદમ્બરમની જેમ યશવંત સિંહાની મુલાકાત પણ કોંગ્રેસના બેનર હેઠળ નહી હોય. જયારે યશવંત સિંહા અને ચિદમ્બરમ જેવા લોકો બીનરાજકીય પ્લેટફોર્મ પર બોલતા હોય છે તો એ તેમના વિચારો દર્શાવતા હોય છે. આ કાર્યક્રમ અનુસાર યશવંત સિંહા ૧૪મીએ અમદાવાદમાં ઠાકોરભાઇ દેસાઇ હોલમાં અને ૧પમીએ રાજકોટમાં અરવિંદભાઇ મણીયાર હોલમાં પ્રવચન આપશે.
અત્રે એ નોંધનીય છે કે આ પહેલા જીએસટીની ટીકા કરતા યશવંત સિંહાએ કહ્યુ હતુ કે, જયારે અમે એટલે કે ભાજપ વિપક્ષમાં હતા ત્યારે સરકાર ઉપર ટેકસ ટેરેરીઝમ અને રેડ રાજનો આરોપ મુકતા હતા. તેમણે કહ્યુ હતુ કે, આજે જે ચાલી રહ્યુ છે તે પણ ટેરેરીઝમ જ છે. સિંહાએ કહ્યુ હતુ કે, જીએસટી ગુડ એન્ડ સીંપલ ટેકસ બની શકત પરંતુ સત્તામાં બેઠેલા લોકોએ તેને બેડ એન્ડ કોમ્પ્લીકેટેડ ટેકસ બનાવી દીધો.