ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગરમાં કે.આર.દોષી કોલેજના પ્રાંગણમાં વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સરકારના રીજનલ આઉટરીચ બ્યુરોના ગુજરાત પ્રદેશના નિદેશક મનિષ ગૌતમની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર આર.જી.શુકલા, નાયબ કાર્યપાલક ઇજનેર જે.એમ.સોમપુરા, ચીફ સેનટરી ઇન્સ્પેક્ટર એ.એસ. રોહીત તેમજ કે.આર.દોશી કોલેજના આચર્યગણ, પ્રાધ્યાપકગણની ખાસ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરુઆત પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય વિધી કરી કરવામાં આવી હતી.
ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગરના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ મહેમાનોના સ્વાગતની સાથે કાર્યક્રમના હેતુને સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૪ થી દેશભરમાં શરુ થયેલ સ્વચ્છ ભારત અભિયાન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહ્યું છે. ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાન સ્વરુપે દેશભરના લોકોને એક હાંકલ કરી છે. જેમાં લોકો સ્વયંભૂ જોડાઇને તેમજ સ્વચ્છતા સંદર્ભે જાગૃત થઇ અભિયાનને સફળ બનાવે.
મનિષ ગૌતમે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની સાચી ઉજવણી આપણે સ્વચ્છ ભારતના નિર્માણ દ્વારા કરી શકીશુ એમ જણવાવતાં સ્વચ્છતાના મહત્તવને સ્પષ્ટ કર્યું હતું. સાથે જ વિશ્વના અન્ય દેશોની સાપેક્ષમાં આપણા દેશની સ્વચ્છતાની પરિસ્થિતિને વર્ણવતાં દેશમાં ચાલી રહેલ સ્વચ્છ ભારત મિશનની જાણકારી પૂરી પાડી હતી.
મહાનગર પાલીકાના કાર્યપાલક ઇજનેર આર.જી શુક્લાએ ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાનને બિરદાવતાં તેની સાથે સંકળાયેલ યોજનાઓ અને તેની પાછળ સરકાર દ્વારા કરાતા ખર્ચ અને કામગીરીની માહિતિ આપી હતી. મહાનગર પાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા કરાતી કામગીરીની માહિતિ આપતા દેશમાં ચાલી રહેલ સ્વચ્છતા સર્વેક્ષણની જાણકારી પૂરી પાડી હતી. સ્વચ્છતા સંબંધીત કામગીરી કરવાની સાથે આ વિષયમાં લોકોમાં જાગરુતતા લાવવા વિશેષ કામગીરી કરનાર કોલેજના યુવાવિદ્યાર્થીઓને ફિલ્ડ આઉટરીચ બ્ચુરો, ભાવનગર દ્વારા ઇનામો આપી પ્રોત્સાહીત કરાયા હતાં. પ્લાસ્ટીકના ઉપયોગને બંધ કરી પર્યાવરણ બચાવવાની અપીલ સાથે કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌને કાપડની થેલીનું વિતરણ કરવામા આવ્યું હતું.