કલોલના નવજીવન શોપિંંગમાં બિલ્ડર દ્વારા ગેરકારયદે બાંધકામ કરવાના મુદ્દે વેપારીઓએ બિલ્ડર સામે બાંયો ચડાવીને લડત આપી રહ્યા છે. ગેરકાયદે બાંધકામ મુદ્દે વેપારીઓએ તંત્રમાં રજુઆત કરી છે.
જેના પ્રત્યાઘાતરૂપે મામલતદાર અને નગર પાલિકાના ચીફ ઓફીસરને રાજ્યના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વેપારીઓની હાજરીમાં બોલાવ્યા હતા. જ્યાં પ્રાંત અધિકારીએ કાયદાની જોગવાઇ મુજબ કામગીરી કરાશે તેમ વેપારીઓને આશ્વાસન આપ્યુ હતું. આ અગાઉ વેપારીઓ પોતાની માંગણી માટે ઢોલ વગાડતા બેનર દર્શાવતા રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોચ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર કલોલમાં આવેલ નવજીવન શોપિંંગ સેન્ટરમાં બિલ્ડર સોમાભાઇ પટેલ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યુ છે. શોપીંગના નકશામાં દર્શાવેલ લેડીઝ જેન્ટસ ટોઇલેટ તથા ગાર્ડન અને પાર્કીંગ જગ્યામાં બિલ્ડરે બાંધકામ કરી જગ્યા ભાડે આપી રોકડી કરવામાં આવી રહી છે. જેથી વેપારીઓએ બિલ્ડરના ગેરકાયદે બાંધકામ બાબતે તંત્રમાં રજુઆત કરી હતી. જેથી સરકારના સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વેપારીઓને બોલાવવામાં આવ્યા હતા.
કલોલ નગર પાલિકાના ચિફ ઓફીસર તેમજ મામલતદાર કલોલ અને પ્રાંત અધિકારી સાથે બેઠક કરી હતી. જેમાં પ્રાંત અધિકારીએ કાયદાની જોગવાઇ મુજબ ગેરકારયદે બાંધકામ બાબતે પગલા ભરવામાં આવશે તેવી વેપારીઓને ખાત્રી આપી હતી.
કલોલમાં નવજીવન શોપિંગમાં ગેરકાયદે બાંધકામ બાબતે પ્રાંત અધિકારીને વેપારીઓ દ્વારા રજુઆત કરવામા આવી હતી