ગુજરાતને મળ્યા ૩ સન્માનિય નેશનલ ટુરિઝમ માટે એવોડ્‌ર્સ

1134

દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતે ગૌરવ સમાન ત્રણ ઍવોર્ડ હાંસલ કરીને રાજયના પ્રવાસીલક્ષી અભિગમની છબી રાષ્ટ્રીયકક્ષાએ પ્રકાશિત કરી છે. ગુજરાત પ્રવાસન વિભાગને મળેલ એવોડ્‌ર્સ તેની પ્રવાસીઓ માટે પુરી પાડવાની સુવિધાઓ માટેના નિરંતર પ્રયાસોની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ગઇકાલે વર્લ્ડ ટુરિઝમ ડે ઉપલક્ષ્યમાં નવી દિલ્હી ખાતે નેશનલ ટુરીઝમ એવોર્ડસ અંતર્ગત યોજાયેલા એક અગત્યના સમારંભમાં ગુજરાત રાજયને તેના શ્રેષ્ઠ પ્રવાસન સ્થળ બનાવવાના પ્રયત્નો બદલ શ્રેષ્ઠ સીવીક મેનેજમેન્ટ, શ્રેષ્ઠ હેરીટેજ સીટી અને શ્રેષ્ઠ એરપોર્ટના એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાત ટુરીઝમની આ ગૌરવપૂર્ણ સિધ્ધિને લઇ દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગુજરાત પ્રવાસન નિગમને સાપુતારામાં ઉપલબ્ધ કરાવેલ પ્રવાસી સુવિધાઓ જેવી કે આઈઈસી સુપરવાઈઝરની નિમણુંક જે સ્થાનિક સમુદાયને જાગૃત કરશે, શ્રેષ્ઠ વેસ્ટ મેનેજમેન્ટ સીસ્ટમ્સ, રીસાયકલીંગ અને રી-યુઝ માટેની સ્થાપિત સુવિધાઓ સાથોસાથ સ્વચ્છતા પખવાડા અંતર્ગત હાથ ધરવામાં આવતાં બીટ ધ પ્લાસ્ટીક જાગૃતિ અભિયાન જેવી બીજી અનેક સુવિધાઓ માટે બેસ્ટ સિવિક મેનેજમેન્ટ એવોર્ડ એનાયત થયો છે. તદ્‌ઉપરાંત અમદાવાદને સંયુક્ત બેસ્ટ હેરિટેજ સિટી ( સંયુક્ત અમદાવાદ અને મંધુ. એમપી) અને બેસ્ટ એરપોર્ટ અમદાવાદ આમ કુલ ત્રણ એવોર્ડ ગુજરાતના નામે થયા હતાં.

દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ ટુરીઝમ એવોડ્‌ર્સ અંતર્ગત ઘણાં રાજ્યોને જુદી જુદી કેટેગરીમાં એવોર્ડ પ્રાપ્ત થયાં છે. ગુજરાત પ્રવાસન વિભાગને વર્ષ ૨૦૧૫-૧૬માં પણ હૉલ ઓફ ફેમ એવાર્ડ પ્રાપ્ત કર્યો હતો જે ક્રોમ્પ્રીહેન્સીવ ડેવલપમેન્ટ કેટેગરીમાં મળ્યો હતો, પરંતુ આ એવોર્ડ માટે ફરીથી નામાંકન ત્રણ વર્ષ પછી જ કરી શકાય છે. વર્લ્ડ ટુરિઝમ ડે ના દિવસે આ એવાર્ડ માનનીય પ્રવાસન મંત્રી કે. જે. આલ્ફોન્સ ના હસ્તે ન્યુ દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો. બેસ્ટ સિવિક મેનેજમેન્ટ એવાર્ડ (સાપુતારા) નો પુરસ્કાર ગુજરાત ટુરિઝમ વતી શ્રીમતી આરતીબેન કનવર(આઇએએસ) રેસિડેન્ટ કમીશ્નર અને શ્રી જેનુ દેવન (આઇએએસ), મેનેજિંગ ડિરેક્ટર, ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ એ મેળવ્યો હતો, જયારે બેસ્ટ હેરિટેજ સિટી અમદાવાદનો એવાર્ડ શ્રીમતી બીજલબેન પટેલ, મેયર અને શ્રી રાકેશ શંકર, નાયબ મ્યુનિસ્સિલ કમિશ્નર તેમજ બેસ્ટ એરપોર્ટ અમદાવાદનો એવાર્ડ શ્રી મનોજભાઈ ગંગાલ, ડિરેક્ટરને એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતને આ પુરસ્કારના હક્કદાર બનાવવામાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાની, પ્રવાસન આદિજાતિ વિકાસ, વન અને બાળ કલ્યાણ, ગુજરાતના આશીર્વાદ થકી સાર્થક બન્યુ હોવાનું એવાર્ડ સ્વીકારતાં ઉપરોકત મહાનુભાવોએ જણાવ્યું હતું. સાપુતારા સાચા અર્થમાં આ પુરસ્કારના હક્કદાર છે જે હંમેશાથી મુલાકાતીઓના પ્રવાસને યાદગાર બનાવા માટે જાણીતું છે. સાપુતારા એ કુદરતપ્રેમી પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન છે. અહીની લીલીછમ જમીન અને કુદરતી ધોધથી સાપુતારા પ્રખ્યાત છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષ વિભિન્ન ઉજવણી થી પ્રવાસીઓ ની સંખ્યા માં બોહોળો વધારો થઈ રહ્યો છે. શ્રી જેનુ દેવને(મેનેજિંગ ડિરેક્ટર, ટીસીજીએલ) આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યને ત્રણ એવાર્ડ પ્રાપ્તી બદલ અમે સરકાર અને પ્રજાના ખૂબ જ આભારી છીએ. અમે મુલાકાતીઓને અત્યંત સારી સગવડો, વિવિધ માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટીબદ્ધ છીએ. સાથોસાથ અમે હંમેશાથી આવનાર પ્રવાસીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના આવે તેના માટે પ્રયત્નશીલ રહીયે છીએ અને રહીશું. ગુજરાત પાસે રહેલી અતુલ્ય સુંદરતા, કળા, સંસ્કૃતિ અને મેળાઓ તથા ઉત્સવો માટે દુનિયાભરથી લોકોને આકર્ષે છે.

Previous articleમેયરના ગેરકાયદેસર દબાણ પર ગમે તે ઘડીએ તંત્રનો હથોડો વિંઝાશે
Next article૨ ઓક્ટોબરથી ખાદી અને પોલી વસ્ત્રોના વેચાણ પર ૨૦ ટકાનું વિશેષ વળતર મળશે