ગુજરાતમાં સ્વાઈન ફ્લુનો પ્રકોપ જારી રહ્યો છે. દરરોજ નવા નવા કિસ્સા સપાટી પર આવી રહ્યા છે. વધુ મોતની સાથે જ આંકડો વધીને ૧૯ ઉપર પહોંચી ગયો છે. સ્વાઈન ફ્લુથી ગ્રસ્ત લોકો સેંકડોની સંખ્યામાં હજુ પણ સારવાર હેઠળ છે. કુલ ૬૦૪ કેસ સપાટી ઉપર આવ્યા છે. કાલાવાડમાં એકનું મોત થયું હોવાના અહેવાલ મળ્યા છે. સેંકડોની સંખ્યામાં દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવામાં આવી છે પરંતુ મોનસૂનની સિઝન પૂર્ણ થઈ રહી છે ત્યારે સ્વાઈન ફ્લુએ આતંક મચાવેલો છે અને તેના આતંક હેઠળ લોકો સકંજામાં આવી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને રાજ્યની અન્ય હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુુને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પુરતી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્યભરમાં હવેથી સ્વાઇન ફ્લૂના દર્દીઓ સિઝનલ ફ્લૂના દર્દી તરીકે કેસ પેપરમાં નોંધાશે, કારણ કે રાજ્ય સરકારે હવે સ્વાઇન ફ્લૂને સિઝનલ ફ્લૂનું સત્તાવાર નામ આપ્યુ છે.
જો કે, બીજીબાજુ, રાજય સરકારના આ નિર્ણયને લઇ પ્રજાજનોમાં રોષની લાગણી ફેલાઇ છે કારણ કે, સ્વાઇન ફલુના દર્દીઓનો સાચો આંક ઢાંકપિછોડાનો પ્રયાસ થશે અને સાચો મૃત્યુઆંક અને દર્દીઓનો આંકડો બહાર નહી આવી શકે તેવી દહેશત પણ જાગૃત નાગરિકોએ વ્યકત કરી હતી. આ અંગે આરોગ્ય વિભાગના હેલ્થ નિયામક પરેશ દવેએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં હવે સ્વાઇન ફ્લૂ સિઝનલ ફ્લૂના નામથી ઓળખાશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સૂચના બાદ ભારત સરકારે રાજ્યને કરેલી ભલામણના આધારે આ નિર્ણય લેવાયો છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યા બાદ તેને અધૂરી સારવારે અન્ય હોસ્પિટલમાં રિફર કરી શકાશે નહીં. જો એવું થશે તો એપિડેમિક એક્ટ-૧૮૯૭ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે. રાજ્યના તમામ નોડલ ઓફિસર સાથે સિઝનલ ફ્લૂના મુદ્દે તેમજ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે આજે એક મિટિંગ યોજાઇ છે, જેમાં તેઓને સ્વાઇન ફ્લૂના બદલે સિઝનલ ફલૂ કેસ પેપરમાં લખવા માટે જણાવવામાં આવશે. સ્વાઈન ફ્લુને રોકવા પગલાં લેવાયા છે.