ભાજપની રેલીમાં રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવતા એફઆઈઆર થઈ

1109

જમ્મુ કાશ્મીરના કથુઆ જિલ્લામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજીવ જસરોતિયા દ્વારા યોજવામાં આવેલી એક રેલીમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ઉંધો દર્શાવવામાં આવતા આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શુક્રવારે કથુઆ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર સમ્માન અપમાન પ્રતિરોધક અધિનિયમની કલમ ૨ હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. સ્થાનિક રહેવાસી એવા વિનોદ નિજહાવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર રાહુલ દેવ શર્માના સમર્થનમાં જસોતિયા દ્વારા આયોજિત એક રેલી રાષ્ટ્રધવ્જ ઉંધો દર્શાવીને તેનું અપમાન કરાયું હતું.   જસરોતિયા કથુઆ બેઠકથી ભાજપના સાંસદ છે અને રેલીમાં તેઓ શર્મા સાથે જોવા મળ્યા હતા. જમ્મુ કાશ્મીરની સ્થાનિક ચૂંટણીમાં વોર્ડ નંબર ૧૯માંથી ઉમેદવારી પત્ર ભરવા માટે આ રેલીનું આયોજન કર્યું હતું.

ભાજપના નેતાની પાછળ ઉભેલો એક શખ્સ હાથમાં ઊંધો રાષ્ટ્રધ્વજ લઈને ઊભો હોય તેવો વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ કૃત્ય ખૂબજ ભયંકર છે અને દેશના રાષ્ટ્રભક્તોની લાગણીને ઠેસ પહોંચાડાનારું છે. આ બાબતે તપાસ ચાલુ હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

Previous articleસર્જિકલ સ્ટ્રાઈકની જેમ ફરી મોટી કાર્યવાહી થઈ
Next articleપાક ત્રાસવાદને ફેલાવા અને તેને નકારવામાં ખૂબજ કુશળ