ફિલ્મ સ્ટાર સંજય દત્તની બહેન પ્રિયા દત્તનુ કોંગ્રેસ પાર્ટીમાંથી પત્તુ કપાઈ ગયુ હોવાની અટકળો થઈ રહી છે. આગામી લોકસભામાં પ્રિયા દત્તની જગ્યાએ ફિલ્મ અભિનેત્રી રહી ચુકેલી નગમાને ટિકિટ આપવાની પણ વાતો ચાલી રહી છે. પ્રિયા દત્ત કોંગ્રેસમાંથી અત્યાર સુધી મુંબઈની નોર્થ-સેન્ટ્રલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતી આવી છે પણ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસની ટોચની નેતાગિરી પ્રિયા દત્તની નિષ્ક્રિયતાથી નારાજ છે. જેના પગલે તેમને પાર્ટીના સચિવ પદ પરથી પણ હટાવી દેવાયા છે. રવિવારે સાંતાક્રુઝ વિસ્તારમાં નોર્થ સેન્ટ્રલ સીટ માટે પાર્ટીની મળેલી બેઠકમાં પણ નગમા હાજર રહી હતી.જેના પગલે હવે પ્રિયા દત્તની જગ્યાએ નગમાને આ બેઠક પરથી ચૂંટણી લડાવાય તેવી સંભાવનાઓ છે. જોકે પ્રિયા દત્તની જે પ્રકારની ઈમેજ છે તે જોતા કોંગ્રેસ માટે પણ નિર્ણય લેવો એટલો આસાન નહી હોય.પ્રિયાની સાથે તેમના પિતા સુનિલ દત્તની પણ ઈમેજ જોડાયેલી છે.પ્રિયા દત્તને સચિવ પદેથી હટાવવા સામે તેમના સમર્થકો નારાજગી જાહેર કરી ચુક્યા છે. ૨૦૧૪ની ચૂંટણી હાર્યા બાદ પ્રિયા દત્તે કોંગ્રેસમાં મીડિયા પ્રભારી અને સચિવની જવાબદારી બરાબર નિભાવી નથી.