એશિયા કપની રોમાંચક ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને ૩ વિકેટથી હાર આપીને સાતમી વખત વિજેતા બન્યું હતું. એશિયા કપમાં ભારત તેના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી વગર જ રમ્યું હતું. કોહલીના બદલે રોહિત શર્માએ સુકાની પદ સંભાળ્યું હતું. એશિયા કપમાં કોહલીને કેમ આરામ આપવામાં આવ્યો હતો તેને લઇ ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ હવે ખુલાસો કર્યો છે.
શાસ્ત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, વિરાટ શક્તિશાળી ખેલાડી છે. તેને મેદાન બહાર મોકલી શકાય નહીં. વિરાટ જો રમતો હોય તો મેચનો રોમાંચ અલગ જ હોય છે. તેથી આ માનસિક રીતે થકાવી દેનારો મામલો છે.
કોચ શાસ્ત્રીએ કહ્યું કે, વિરાટનું ધ્યાન થોડા સમયથી ક્રિકેટ પરથી હટાવવાનું હતું અને બાદમાં તે નવા અંદાજમાં વાપસી કરશે. ટીમના અન્ય ખેલાડીઓ સાથે પણ આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. તેમણે કહ્યું, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર સાથે પણ અમે આમ કરીએ છીએ અને તેમને ફ્રેશ રાખવા આરામ આપવામાં આવે છે.
ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાનો ૪-૧ કારમો પરાજય થયો હતો. પરંતુ સમગ્ર શ્રેણીમાં વિરાટ કોહલીને બાદ કરતાં અન્ય બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. વેસ્ટ ઈન્ડિઝ સામે ૪ ઓક્ટોબરથી ૨ મેચની ટેસ્ટ શ્રેણીમાં કોહલી ફરીથી ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ સંભાળશે.