મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની નિમિત્તે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો સર્વધર્મ પ્રાર્થનાઅને મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન કરવાનો કાર્યક્રમ સેન્ટ્રલ વિસ્ટા- સ્વર્ણિમ પાર્કખાતે આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સચિવાલય સંકુલમાં આવેલી પ્રતિમાને પુષ્પાજંલિ કાર્યક્રમ અને ગાંધીનગર એસ.ટી.ડેપો ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ વિસ્ટા – સ્વર્ણિમ પાર્ક ખાતે યોજાયેલ સર્વધર્મ પ્રાર્થના અને મહાત્મા ગાંધીના વિચારોનું વાંચન કરવાનો કાર્યક્રમને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજય આયોજન પંચના ઉપાધ્યક્ષ નરહરિભાઇ અમીન અને ગાંધીનગર(દ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોરે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધી વ્યક્તિ નહી, વિચારધારા બની ગયા છે. તેઓના સત્ય- અહિંસા માટેના ચિંતનો- વિચારો આજે પણ સમગ્ર વિશ્વ માટે ઉપયોગી બની રહ્યાં છે. વ્યક્તિના સ્વાલંબન, સર્વાંગી વિકાસમાટે તેઓએ બુનિયાદી શિક્ષણની ભેટ દેશને આપી છે. આજની નવયુવાન પેઢીને તેમના વિચારો, આદર્શો અને તેમના વ્યક્તિત્વથી પરિચિત કરવા ખૂબ જરૂરી છે.
સચિવાલય સંકુલમાં આવેલી પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ એસ.ટી. ડેપો ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો અને સફાઇ કર્મીઓ અને નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ગાંધીનગર(દ)ના ધારાસભ્ય શંભુજી ઠાકોર, કલેકટર એસ.કે.લાંગા, મહાનગર પાલિકાના કમિશનર એસ.એલ. અમરાણી, જિલ્લા વિકાસ અધિકારી હિતેષ કોયા સહિત પદાધિકારીઓએ હાથમાં ઝાડુ લઇ સફાઇ કામ કરી કચરાને ટોપલીમાં એકઠો કરીને સ્વચ્છતા અભિયાનના આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુડાના પૂર્વ ચેરમેન આશિષભાઇ દવે, ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, ગાંધીનગર નિવાસી અધિક કલેકટર એચ.એમ.જાડેજા, ગાંધીનગર પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઇ સહિત કોર્પોરેટરો અને અધિકારીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.