નવરાત્રિ વેકેશન ન આપનાર શાળા સામે પગલાની ચિમકી

708

અમદાવાદ સહિત રાજ્યભરની કેટલીક ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો ઈનકાર કરી રહી છે ત્યારે સરકારે જાહેર કરેલા નવરાત્રીના વેકેશનનો ફરજિયાત અમલ કરાવવાની જવાબદારી હવે રાજય સરકારે જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈઓ) અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી (ડીઈપીઓ)ના માથે નાખી છે. નવરાત્રિ વેકેશન નહી આપનારી આવી શાળાઓ વિરૂધ્ધ પગલાં લેવાની અને આકરી કાર્યવાહી કરવાની ગર્ભિત ચીમકી પણ સરકાર દ્વારા આપી દેવાઇ છે. બીજીબાજુ, સીબીએસઇ બોર્ડની શાળાઓ સહિતની કેટલીક ખાનગી શાળાઓમાં નવરાત્રિ વેકેશનને લઇ ભારે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. ખાનગી શાળા સંચાલકોએ નવરાત્રી વેકેશનનો અમલ નહીં કરવાના મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે ત્યારે સરકારે પણ તેના કડકાઈભર્યા અમલ માટે સૂચના આપી દીધી છે. રાજ્યભરની શાળાઓમાં તા.૧૦થી ૧૭ ઓક્ટોબરનું નવરાત્રી વેકેશન રહેશે. ત્યારબાદ તા.પથી ૧૮ નવેમ્બર દિવાળી વેકેશન રહેશે.

અને ૧૯ નવેમ્બરથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોષીએ જણાવ્યું હતું કે, જે શાળાઓ ડીઈઓ કે ડીપીઈઓના પરિપત્રનો અમલ નહીં કરે તે શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. સૌ પહેલાં તે શાળાને કારણદર્શક નોટિસ આપવામાં આવશે. ત્યારબાદ દંડ કરવા ઉપરાંત શાળાની માન્યતાની શરતો અન્વયે માન્યતા રદ કરવા સુધીનાં આકરાં પગલાં પણ લઈ શકાય. ડીપીઈઓ નવનીત મહેતાએ જણાવ્યું હતું કે જે ખાનગી શાળાઓ નવરાત્રી વેકેશનનો અમલ નહીં કરે તેની ફરિયાદ વિભાગ અને નિયામકને મોકલી આપીશું. તે પછીની કાર્યવાહીનો નિર્ણય ઉચ્ચ વિભાગ જ લેશે. આમ, હવે સરકાર દ્વારા આકરી કાર્યવાહીની ચીમકી અપાયા બાદ સીબીએસઇ બોર્ડ સહિતની નહી માનતી શાળાઓ હવે શું રણનીતિ અપનાવે છે તેની પર સૌની નજર છે. જો કે, હાલ તો આ તમામ ઘટનાક્રમ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ ભારે દ્વિધાભરી સ્થિતિમાં મૂકાયેલા જોવા મળી રહ્યા છે.

Previous articleપાઇપલાઇનથી અપાતા ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા
Next articleસિંહોના સંરક્ષણ માટે સરકાર મક્કમ : રૂપાણીએ દાવો કર્યો