નરેન્દ્ર મોદીને ફરી વડાપ્રધાન બનાવવા ૧૦ દિવસીય મહાયજ્ઞ..!!

761

લોકસભા ચૂંટણી માટે સત્તાધારી અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા જોર-શોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન રસપ્રદ સમાચાર છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બને તે માટે ૧૦ દિવસના યજ્ઞનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ યજ્ઞ સમારોહમાં સાધુ-સંતો ઉપરાંત ભાજપ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલ, મંત્રી ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ થશે.

મથુરાના મોદી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ યજ્ઞ યોજવામાં આવશે. ટ્રસ્ટના ચેરમેન પવન પાંડેએ જણાવ્યું કે યજ્ઞ ૧૦ ઓક્ટોબરથી મથુરામાં યમુના નદીની કિનારે શરૂ થશે. ઉપરાંત યજ્ઞને લઇને અહીં મોટાપાયે તૈયારીઓ પણ શરૂ થઈ ગઇ છે.

પવને જણાવ્યું કે શતચંડી મહાયજ્ઞમાં માટીના લાખો દીવા પ્રગટાવવામાં આવશે અને મંત્રોચ્ચાર પણ કરવામાં આવશે. આ રીતે ઉત્પન્ન દૈવી શક્તિ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બીજી વાર નરેન્દ્ર મોદીની જીત સુનિશ્ચિત કરશે. પવને આગળ જણાવ્યું કે પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદજીની હાજરીમાં ગુરુ શરણાનંદજી મહારાજ મહામંડલેશ્વર ૧૦ ઓક્ટોબરના રોજ આ યજ્ઞની શરૂઆત કરાવશે.

પવન પાંડેયે જણાવ્યું કે પવિત્ર શહેરો હરિદ્વાર, કાશી, પ્રયાગ, વૃંદાવન અને નાસિકથી આવનાર સાધુ-સંતોનો અહીં અદ્ભુત સંગમ થશે. તેઓ ૧૦માં દિવસે અહીં હાજર રહેશે અને મંત્રો તેમજ વેદોનું ઉચ્ચારણ કરશે. આ ટ્રસ્ટ દ્વારા ઘણા ભાજપ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, અધિકારી, પોલીસ અધિકારીઓ તેમજ ઘણા અન્ય લોકોને આ યજ્ઞમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. પવને દાવો કર્યો છે કે લગભગ અડધા ડઝન મુખ્યમંત્રી આ યજ્ઞમાં સામેલ થશે.

Previous articleઅનિયમિત બ્લડ પ્રેશરથી હદયરોગ થવાની શક્યતા વધુ
Next articleમાતા વૈષ્ણોદેવી સર્વાધિક સ્વચ્છ ધાર્મિક સ્થળ જાહેર