નોર્વેનાં લીન્ડેસનેસ વિસ્તારમાં ઉત્તર સાગરનાં તટ પર દુુનિયાની સૌથી મોટી અન્ડર વોટર રેસ્ટોરાં બનાવવામાં આવી રહી છે. ૧૧૦ ફૂટ લાંબી આ રેસ્ટોરાં સમુદ્રમાંથી નીકળી રહેલાં મોટા દૂરબીન જેવી દેખાય છે, તેમાં ૧૦૦ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા હશે. રેસ્ટોરાં ર૦૧૯ સુધી શરૂ થવાની શક્યતાઓ છે. રેસ્ટરાંને અન્ડર નામ અપાયું છે. તેને નોર્વેની કંપની સ્નોહેતાએ બનાવી છે.
રેસ્ટોરાં પ૦૦ વર્ગમીટરના ક્ષેત્રમાં ફેલાયેલી છે, તેમાં ત્રણ માળ છે. સમુદ્રી પર્યાવરણ બતાવવા માટે ૩૬ ફૂટ લાંબો કાચ લગાવાયો છે. રેસ્ટોરાં સમુદ્રની અંદર પાંચ મીટરના ઊંડાણમાં છે. રેસ્ટોરાંની દીવાલો તોફાની લહેરોનો સામનો કરવામાં સક્ષમ હશે. સ્નોહેતાની સિનિયર આર્કિટેક્ટ રૂન ગ્રાસડેલના જણાવ્યા મુજબ રેસ્ટોરાંને ખૂબ જ સમજી-વિચારીને તૈયાર કરાઇ છે, તેનું અડધાથી વધુ સ્ટ્રકચર પાણીમાં ડૂબી ગયું છે. લોકોએ અંદર જવા માટે કાચના ગ્લાસ-વે પરથી પસાર થવું પડે છે.
ગ્રાસડેલ કહે છે કે ગ્રાહક જ્યારે અમારી પાસે રેસ્ટોરાં બનાવવાનો પ્રસ્તાવ લઇને આવ્યા ત્યારે તેઓ કેટલાક સ્કેચ લઇને આવ્યા હતા. તેઓ રેસ્ટોરાં તટની નજીક બનાવવા ઇચ્છતા હતા, પરંતુ અમે તેમને થોડે દૂર બનાવવાની સલાહ આપી, કેમ કે ત્યાંથી સમુદ્રનો સમગ્ર નજારો જોઇ શકાય છે. રેસ્ટોરાં બનાવનારી કંપની અહીં આવનાર લોકોની સુરક્ષાની ગેરંટી લે છે. કંપનીનો દાવો છે કે રપ૦૦ ટનની ઇમારત દરેક પડકારો ઝીલવા માટે સક્ષમ છે, જે બનાવતાં પહેલાં મરીન બાયોલોજી અને માછલીઓના વર્તનનો પણ અભ્યાસ કરાયો.