મહારાષ્ટ્ર સરકારે સમગ્ર રાજ્યમાં હુક્કાબાર પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકતો પરિપત્ર જાહેર કર્યો છે. ચાલુ વર્ષે એપ્રિલ માસમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં આ અંગેનું બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિએ તેના પર મોહર મારતાં હવે કાયદો અસ્તિત્વમાં આવ્યો છે.
ગુજરાત બાદ મહારાષ્ટ્ર હુક્કાબાર પર પ્રતિબંધ મુકનાર બીજું રાજ્ય બન્યું છે. સુધારાયેલા સિગારેટ એન્ડ અધર તોબેકો પ્રોડક્ટ્સ (પ્રોહિબિશન ઓફ એડવર્ટાઈઝમેન્ટ એન્ડ રેગ્યુલેશન ઓફ ટ્રેડ એન્ડ કોમર્સ, પ્રોડક્શન, સપ્લાય અને ડિસ્ટ્રીબ્યુશન) એક્ટ (ર્ઝ્રં્ઁછ), ૨૦૦૩ના ભંગ બદલ રૂ. ૧ લાખનો દંડ ફટકારવામાં આવશે તેમજ ત્રણ વર્ષ સુધી બિન જામીનપાત્ર જેલની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે.
‘આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવતા હવે કાયદો તાત્કાલિક અમલમાં આવી ગયો છે. હવે કાયદાનો કડક અમલ થાય તે પોલીસની જવાબદારી ગણાશે,’ તેમ ગૃહ વિભાગના એક ઉચ્ચ અઘિકારીએ જણાવ્યું હતું.
ગૃહ વિભાગ પણ હુક્કાબાર પર અંકુશાત્મક પગલાં લેવાનું વિચારી રહ્યું હતું પરંતુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે સંપૂર્ણ પ્રતિબંધ માટે ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૧૭માં કમલા મિલ્સ ખાતે એક રેસ્ટોરન્ટમાં લાગેલી આગમાં ૧૪ લોકો ભડથું થઈ ગયા હતા. જેને પગલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ આ મુદ્દે કડક રીતે કામગીરી કરવા અને હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા આદેશ આપ્યો હતો.