ગીર પંથકમાં ૨૩થી વધુ સિંહના મોત થયા બાદ હવે ખૂબ જ ઝડપથી સિંહોને અમેરિકાથી આવેલી રસી આપવાની શરૂઆથ થઈ ચુકી છે. જામવાલા એનિમલ કેર સેન્ટરમાં ૩૧ સિહોંને રસી આપવાની શરૂઆત થઈ ચુકી છે. બીજી બાજુ રસી પુરતા પ્રમાણમાં હોવા છતાં વધુ ૫૦૦ રસીનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે. ૫૦૦થી વધુ વન્ય કર્મીઓ દ્વારા ગીરને ખુંદી નાખીને દલખાણીયા વિસ્તારમાંથી ૩૧ સિંહોને રેસક્યુ કરી જામવાલા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ સિંહોને જસાધાર એનિમલ સેન્ટરમાં ખસેડાયા છે. સિંહોને વેકસીન આપવાની કામગીરી શરૂ થઈ ચુકી છે. ગીર પંથકમાં તાજેતરમાં થયેલા ૨૩ સિંહોના મોતને પગલે ગુજરાત સહિત દેશભરમાં મચી ગયેલા ખળભળાટ બાદ સરકાર દ્વારા સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ(સીડીવી)ને નાથવા અમેરિકાથી તાબડતોબ મંગાવાયેલી ખાસ વેક્સિન આજે ગીર-સોમનાથના જામવાળા એનીમલ સેન્ટર ખાતે પહોંચાડવામાં આવી હતી, જયાં ૩૩ સિંહોને નીરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ચાર નર સિંહોનો પણ સમાવેશ થાય છે. ટૂંક સમયમાં જ નિષ્ણાત તબીબો દ્વારા સિંહોને આ વેકિસનનો ડોઝ તેમની જરૂરિયાત પ્રમાણે આપવામાં આવશે. એક સિંહને આ રસીનો ઓછામાં ઓછો ત્રણ ડોઝ આપવામાં આવશે. આ રસીથી સિંહોની રોગપ્રતિકારક શકિત પણ વધશે તેવું મનાઇ રહ્યું છે. સિંહોને બચાવવા અમેરિકાથી મંગાવાયેલી આ ખાસ વેક્સિન ગઇકાલે વિમાન માર્ગે રાજકોટ આવી પહોંચી હતી. આ વેક્સિન સિંહોને જે સ્થળે રાખવામાં આવ્યા છે.
તે જામવાળા એનિમલ કેર સેન્ટર ખાતે આજે સુરક્ષિત રીતે લઈ જવામાં આવી હતી. જ્યાં આ વેક્સિન માયનસ ૧૬ ડીગ્રી તાપમાનમાં સુરક્ષિત રાખવા માટે તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત ઈન્ફેક્શનથી થયાનું ખૂલતાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને એપી સેન્ટર જેવા અમરેલી જિલ્લામાં પશુ રસીકરણને ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા તથા એક પણ પશુ બાકી ન રહી જાય તેવી સરકાર અને તંત્ર દ્વારા તાકીદની સૂચનાઓ જારી કરાઇ છે. જયાં સિંહોના વસવાટ છે, તેની આસપાસના ગામોમાં વેક્સિનેસન પર મહત્તમ ધ્યાન આપવાનો દાવો થઇ રહ્યો છે, જેથી કરીને ગાય-ભેંસ કે ઘેંટા-બકરા સહિતના પશુઓમાંથી કોઇ રોગનો ચેપ સિંહોને લાગી ન શકે. એક બીમાર પશુ કે પ્રાણીમાંથી નીકળતી કેટલીક જીવાતોમાં બીજા પશુ કે પ્રાણીમાં રોગ ફેલાઈ શકતી હોવાથી આ સાવચેતી રાખવામાં આવી રહી છે. કૂતરાંઓની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે. માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કૂળનો આ વાઇરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક અઠવાડિયામાં જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વાઇરસ સતત દ્વિગુણ રૂપાંતરિત (બમણી ઝડપે શરીરમાં પ્રસરીને) થઇ જીવલેણ બની જાય છે. સીડીવી લાગુ પડ્યા પછી પ્રથમ ત્રણ દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાય છે. તેમની મૂવમેન્ટ ઘટી જાય છે. આંખોમાં દુઃખાવો, લાલાશ વર્તાય છે. ત્રણથી પાંચ દિવસ દરમિયાન ભારે ઊંચો તાવ આવે છે અને હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસરણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાઇરસની અસર મગજ સુધી પહોંચે ત્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે. સીડીવી વાઇરસના ખતરનાક પરિણામોને પગલે રાજય સરકાર દ્વારા અમેરિકાથી તાબડતોબ આ વાઇરસને નાથવા અને સિંહોના આરોગ્યની રક્ષા માટે ખાસ વેક્સિન મંગાવવાની ફરજ પડી હતી. તમામ સિંહોની ચકાસણી બાદ હવે જરૂર પ્રમાણે આ વેકિસન સિંહોને આપવામાં આવશે. જેમાં એક સિંહને ત્રણ ડોઝ અપાવાની શકયતા છે, જેનાથી તેની સુરક્ષા વધવાની સાથે સાથે તેની રોગપ્રતિકારક શકિત પણ વધશે.