સૌરાષ્ટ્રના સૌથી મોટી વયના સંત અને સંત શિરોમણી, ક્રાંતિકારી વિચારક, મહંત, કન્યા કેળવણી અને ધર્મની સાથે સમાજ સેવાના ઉદ્ધારક એવા જૂનાગઢ જિલ્લાના મહંત શ્રી ગોપાલાનંદ બાપુ તાજેતરમાં બ્રહ્મલીન થતાં, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે બિલખા સ્થિત તેમના આશ્રમમાં ગોપાલાનંદ બાપુને ભાવાંજલિ આપી હતી. તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ સભામાં જણાવ્યું હતું કે, આપણે એક ક્રાંતિકારી અને તપસ્વી સંત ગુમાવ્યા છે. બ્રહ્મલીન સંત શ્રી ગોપાલાનંદ બાપુએ આખી જિંદગી માનવ સેવા એ જ પ્રભુ સેવાનો જીવન મંત્ર અપનાવી સેવાની ધૂણી ધખાવી હતી મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની જનતા વતી ગોપાલાનંદ બાપુને શ્રદ્ધાંજલિ આપી કહ્યું કે, તપસ્વી સંતનું જીવન આપણા સૌના માટે પથદર્શક છે.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગિરનાર વિસ્તારમાં વિકાસના કાર્યો હોય કે સમગ્ર સમાજ-કલ્યાણ, લોકકલ્યાણની વાત હોય ગોપાલાનંદ બાપુએ તેમના વિચાર મુકીને આપણને સૌને પ્રેરિત કર્યા છે. ધર્મની રક્ષા, માનવતાના મૂલ્યો, શિક્ષણ અને ધર્મનીતિનું માર્ગદર્શન આપણને તેમની પાસેથી મળ્યું છે તેમ પણ કહ્યું હતું. શિવરાત્રીના દિવસોમાં તેમના આશીર્વાદ લેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તે અંગે ધન્યતા અનુભવી મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત તેમના આશીર્વાદથી આગળ વધતું રહેશે. બિલખા સ્થિત શ્રદ્ધાંજલી સભામાં મહંત મુક્તાનંદ બાપુ, સતાધારના લઘુમહંત વિજય બાપુ, પરબના કરસનદાસ બાપુ, કનકેશ્વરીદેવી, શેરનાથ બાપુ, રામકૃષ્ણનંદ, પાળિયાદના નિર્મળા બા, ચલૈયાધામના રામરૂપદાસજી, શીતલદાસ બાપુ, બિલખા, ચાપરડા અને જૂનાગઢના વિવિધ આશ્રમના સંતો-મહંતો, અગ્રણીઓ, ભાવિકો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.