શહેરના ક્રેસન્ટ સર્કલ પાસે ઋષિરાજ કોમ્પ્લેક્ષમાં ગઈકાલે ત્રણ દુકાનોના શટર તોડી કોઈ અજાણ્યા તસ્કરો એક દુકાનમાંથી રોકડ મત્તાની ચોરી કરી ગયા હતા. જ્યારે અન્ય દુકાનમાં વેરવિખેર કર્યુ હતું. શહેરના મામાકોઠા રોડ, અંબીકા કન્યા શાળાની પાસે રહેતા અને ઋષિરાજ કોમ્પ્લેક્ષમાં આવેલ હાઈ-ફાઈ શો-રૂમમાં નોકરી કરતા સુધીરભાઈ મહેશચંદ્ર પટેલે ગંગાજળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ગઈકાલે રાત્રિના કોઈ અજાણ્યા તસ્કરો હાઈ-ફાઈ શો-રૂમના શટર તોડી અંદર પ્રવેશી ગલ્લામાં રાખેલા રોકડા રૂા.૧૧ હજારની ચોરી કરી લઈ ગયા છે. પોલીસે સુધીરભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.