ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતના વિકાસના મૂળમાં સૌનો સાથ – સૌનો વિકાસનો મંત્ર ફળીભૂત થઇ રહ્યો છે ત્યારે રાજ્ય બહારથી ધંધા-રોજગાર અર્થે આવેલ નાગરિકો પર થઇ રહેલા હુમલાઓ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત ચિંતત છે અને રાજ્યમાં ભાઇચારાની ભાવનાને વધુ બળવત્તર બનાવી ગુજરાતમાં દૂધમાં સાકરની જેમ ભળીને વસતા અન્ય રાજ્યોના નાગરિકોને સધિયારો આપવો એ આપણી નૈતિક ફરજ છે. રાજ્યની શાંતિ – સલામતી અને સુરક્ષા સામે અવરોધ પેદા કરનારા તત્વો સામે કડક હાથે પગલાં લેવા રાજ્ય સરકાર અચકાશે નહિ રાજ્યમાં બનેલા બનાવો સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. ત્યારે ગુજરાતની શાંતિ-સલામતિ ડહોળવાના પ્રયાસોને રાજ્ય સરકાર સાંખી નહિ લે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં રહેતા વિવિધ જ્ઞાતિ-જાતિ કે ધર્મ તથા વિવિધ ભાષા ધરાવતા લોકો વર્ષોથી સુખશાંતિનો અનુભવ કરી રહ્યા છે, તે માત્રને માત્ર રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને સંવેદનશીલતાને આભારી છે. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્ય બહારથી ધંધા-રોજગાર અર્થે આવેલ નાગરિકો પર થયેલા હુમલા સંદર્ભે દુખની લાગણી વ્યક્ત કરી છે. રાજ્યમાંથી પરત ફરી રહેલા અન્ય રાજ્યોના નાગરિકો પ્રત્યે ભાઇચારાની ભાવના દાખવીને તેઓને સહયોગ આપવો આપણી નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતની શાંતિ ડહોળવા માટે કેટલાક તત્વોએ અન્ય રાજ્યોના લોકો પર હુમલાઓ કરીને લોકો-લોકો વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. જે અત્યંત દુઃખદ છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, રાજ્યમાં બનેલ બનાવો સંદર્ભે મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ શહેર/ ગ્રામ્ય, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ૫૬ જેટલા ગુનાઓ દાખલ કરીને ૪૩૧ જેટલા આરોપીની અટકાયત કરી દેવામાં આવી છે. રાજ્યમાં કાયદો – વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા માટે અસરગ્રસ્ત જિલ્લામાં ૧૭ એસઆરપી કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી ૨૦ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાહનો સાથે પણ અસરગ્રસ્ત જિલ્લાઓને ફાળવવામાં આવ્યા છે અને તેમના દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.
એસપી તથા આઇજી કક્ષાના અધિકારીઓ સતત તેનું મોનીટરીંગ પણ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, જિલ્લા કલેક્ટરઓ, પ્રાંત ઓફિસરઓ, મામલતદારઓ દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં ઔદ્યોગિક વસાહતના પ્રતિનિધિઓ સાથે બેઠકો યોજીને સુલેહ શાંતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તેઓના કામના સ્થળો તથા તેઓ જ્યાં વસવાટ કરે છે તે જગ્યાઓ પર સ્થાનિક વહીવટી તંત્રના સંકલનમાં રહીને પોલીસ અધિકારી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે. જે મુજબ મોટા અસરગ્રસ્ત ઔદ્યોગિક વિસ્તાર તેમજ યુનીટ પર પોલીસનો ફિક્સ પોઇન્ટ કાર્યરત કરી દેવાયો છે. તથા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના સંચાલકો તેમના આગેવાનો સાથે જરૂરી પરામર્શ કરીને અન્ય રાજ્યોના નાગરિકોને સુરક્ષા આપવા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. તેમજ તેમની વસાહતોમાં પણ સઘન સુરક્ષા વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. તેમજ, જે ગુનાઓ દાખલ થયા છે. તેમાં યોગ્ય તપાસ થાય તે અંગે સઘન કાર્યવાહી કરાઇ રહી છે. તેમણે ઉમેર્યું કે, ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સોશ્યલ મિડિયામાં પણ જે ભડકાઉ નિવેદનો તથા લખાણ અને વિડીયો વાઇરલ કરવામાં આવે છે જે રાજ્યની શાંતિ- સલામતિને અસર કરતા હોય તેને અટકાવવા માટે સાબર ક્રાઇમ સેલને આ અંગે ત્રણ ગુનાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. તથા આવનારા સમયમાં પણ આવી ઘટનાઓ કે ખોટા મેસેજ વાઇરલ ન થાય તે સંદર્ભે સતત મોનીટરીંગ કરવા પણ સંબંધિતોને સૂચનાઓ આપી દેવાઇ છે. અમદાવાદ શહેર, મહેસાણા અને ગાંધીનગર એમ ત્રણ જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ સંદર્ભે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા ખોટા મેસેજ પોસ્ટ કરનારા ૭૦ લોકો સામે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને ૧૫ લોકોને અટકાયત કરી દેવાઇ છે. ઉપરાંત મિડિયાના માધ્યમ દ્વારા પણ આવો વિરોધ કરનારા લોકોને શાંતિ જાળવવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યનો કોઇપણ વ્યક્તિ કાયદો હાથમાં ન લે અને પોલીસને સહયોગ કરે તેવી વિનંતી પણ કરાઇ છે.