કોંગ્રેસ હાર્દિકને શેની બાંયધરી આપશે? ઈબીસી કે ઓબીસી?

907
guj7112017-8.jpg

પાટીદાર અનામતના મુદ્દે દિલ્હી ખાતે ગઇ કાલે કોંગ્રેસના સિનિયર નેતા કપિલ સિબ્બલ અને પાટીદાર નેતા બાબુ માંગુકિયા વચ્ચે થયેલી ચર્ચા બાદ આજે બાબુભાઇ માંગુકિયા આ મુદ્દે હાર્દિક સાથે ચર્ચા કરી શકે છે. જેના કારણે કોંગ્રેસ આજે તેનું વલણ સ્પષ્ટ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પાટીદાર અનામતનો મુદ્દો ચૂંટણી પહેલાં હાર્દિકને મનાવી લેવામાં અને પાટીદાર મતો અંકે કરવા માટે સુલઝાવવા માટે કોંગ્રેસ સફળ થશે કે કેમ તેના પર સૌની નજર છે.
પાટીદારોને બંધારણીય રીતે અનામત આપી શકાય કે કેમ? ઓબીસી અનામત કે ઇબીસી અનામત આ અંગેની ચર્ચા કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડે ગઇ કાલે પ્રદેશ નેતા સિદ્ધાર્થ પટેલ અને બાબુ માંગુકિયાને દિલ્હી ચર્ચા અંગે બોલાવ્યા હતા. પાટીદાર અનામતના મામલે સવા કલાક સુધી કપિલ સિબ્બલ સાથે મિટિંગ ચાલી હતી.
દિલ્હીથી આવેલા પ્રદેશ નેતા સિદ્ધાર્થ પટેલે પાટીદારોને ઓબીસી અનામત અપાશે કે ઇબીસી તે મુદ્દે અકળ મૌન સેવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ આ માટેની જાહેરાત હાઇકમાન્ડના હાથમાં હોવાનું કહીને ગઇ કાલે ચાલેલી મંત્રણાના મુદ્દે બોલવાનું ટાળ્યું છે. પાસની ટીમે ૭મી નવેમ્બર એટલે કે આવતી કાલ સુધીમાં પાટીદારોના અનામતના પ્રશ્ને કોંગ્રેસને તેનું વલણ સ્પષ્ટ કરવા માટે અલ્ટિમેટમ આપી દીધું છે. જેના કારણે આજે હાર્દિક પટેલ સાથે દિલ્હીમાં થયેલી ચર્ચાના અનુસંધાને આજે બપોર પછી હાર્દિક સાથે બાબુભાઇ માંગુકિયા ચર્ચા કરશે તેવું જાણવા મળે છે. પરંતુ હાર્દિક જ ચર્ચા કરશે તે અંગે નિર્ણય લેવાયો નથી. હાર્દિકના બદલે પાસની ટીમ પણ ચર્ચા માટે જાય તેવી શક્યતા છે.
જો પાટીદાર પ્રશ્નોના નિકાલ થશે તો હાર્દિક કોંગ્રેસને ટેકો આપી શકે છે. બીજી તરફ પાટીદારોની તમામ સંસ્થાઓ વતી સરદાર કલ્પરથના હરેશ પટેલે કહ્યું હતુ કે આંદોલનને પૂરું કરવા માટે સરકાર સાથે થયેલી મિટિંગમાં સરારે ત્રણ શરતો માની હતી જેમાં આર્થિક સહાય પણ સંસ્થાઓએ કરી દીધી છે. છતાં પાસની ટીમ કોંગ્રેસ સાથે મિટિંગ કરીને એના એ જ મુદ્દા પર અનામતની માગ કરીને પાટીદાર સમાજને ગુમરાહ કરી રહી છે. તો કોંગ્રેસ દ્વારા અત્યારે સરકારે બિન અનામત આયોગ બનાવાયું છે. તે બંધારણીય રીતે નથી તેવું જણાવીને કોંગ્રેસ બંધારણીય રીતે આયોગ બનાવશે તેવું આશ્વાસન પાસની મિટિંગમાં આપ્યું છે. સાથે દમન કેસમાં સીટની રચના અને જવાબદારો સામે પગલાં ભરવાનો વાયદો પણ કરાયો છે.   પાસના પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે આજે પાસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે મિટિંગ થવાની પૂરી શક્યતા છે, આ બેઠકમાં હાર્દિક પટેલ હાજર રહે તેવી શક્યતા નથી.
જોકે મિટિંગમાં પાસમાંથી કોને મોકલવા તે અંગેની ચર્ચા વિચારણા ચાલી રહી છે. આ લખાય છે ત્યારે પાસના કમિટી મેમ્બર્સની એક મિટિંગ મળી રહી છે, જેમાં કોંગ્રેસના નેતાઓ સહિત બાબુભાઇ માંગુકિયાને મળવા માટે કોને જવું તે અંગે નક્કી કરવામાં આવશે.

Previous articleવર્લ્ડ બેંકે રાજકોટની સરાહના કરી, અમેરિકાના શહેર સાથે સરખાવ્યું
Next articleગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલી વખત નોટાનો વિકલ્પ