બાપુની પ્રતિમાને પ્રણામ કરી અલ્પેશ ઠાકોર દ્વારા ઉપવાસ

1188

સાબરકાંઠાના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર થયેલા દુષ્કર્મના બનાવના ગણતરીના દિવસો બાદ ગુજરાતમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો બન્યા હતા. જેમાં ઠાકોર સેનાના પર આરોપ લાગ્યો હતો. પરપ્રાંતીયો અને ઠાકોર સેના વચ્ચે સદભાવ વધે તેમ જ પ્રેમ અને ભાઇચારાનો સંદેશ ફેલાવવાના ઉદ્દેશ્યથી આજે ઠાકોર સેનાના નેતા અને રાધનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ પર ઉતર્યા હતા. પરપ્રાંતીયો અને ગુજરાતીઓ વચ્ચે ભાઈચારો વધારવાના પ્રયાસના ભાગરૂપે આજે ગાંધી આશ્રમ ખાતે સમર્થકો સાથે અલ્પેશ ઠાકોરે બાપૂની પ્રતિમાને પ્રણામ કરીને એક દિવસીય સદભાવના ઉપવાસ યોજયા હતા. ગાંધી આશ્રમમાં બાપૂના દર્શન બાદ અલ્પેશ ઠાકોર રાણીપ સ્થિત સદભાવના ઉપવાસ સ્થળે પહોંચીને એક દિવસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.ગુજરાતમાં એક દિવસના સદભાવના ઉપવાસ યોજયા બાદ દેશના દરેક રાજયમાં એક એક દિવસ માટે અલ્પેશ સદભાવના ઉપવાસ કરશે. તે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, દિલ્હી સહિતના પરપ્રાંતીય પલાયન કરીને જતાં રહ્યા છે તેવા રાજ્યોમાં પણ ઉપવાસ કરવાનો છે. ઉપવાસમાં તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બિહારના મુખ્યમંત્રી નીતિનકુમારને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું હતું. જો કે, તેઓએ અલ્પેશના સદ્‌ભાવના ઉપવાસમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હિંમતનગરના ઢુંઢર ગામની એક ૧૪ માસની બાળક પર પરપ્રાંતી યુવાને દુષ્કર્મ આચર્યું હતું. ગણતરીના દિવસો બાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિતના જિલ્લામાં રાજ્યના ૯ જિલ્લામાં પરપ્રાંતીયોને માર મારવા અને લૂંટી લેવાના બનાવો બન્યા હતા. આમાં સૂકાનાં વાંકે લીલું પણ બળ્યું હોવાનો ઘાટ સર્જાયો હતો અને નિર્દોષો એવા ગરીબ અને મજૂરી કરવા આવેલા પરપ્રાંતીયોને ગુજરાત છોડવાનો વાર આવ્યો હતો. ત્યારે પરપ્રાંતીયોને પાછા લાવવા અને તેમની સાથે સદભાવ કેળવવા અલ્પેશ સદભાવના ઉપવાસ કરી રહ્યા છે. ૧૪ માસની બાળકીને ન્યાય મળે તે માટે અલ્પેશ ઠાકોર સદભાવના ઉપવાસ કરવાના હતા. આ સદભાવના ઉપવાસ કરવા માટે તેમણે ગાંધી આશ્રમને પસંદ કર્યો હતો. ૮મી ઓક્ટોબર આ ઉપવાસ યોજાવાના હતા. પરંતુ રાજ્યમાં સ્થિતિ બેકાબૂ બની અને રાજ્યના કેટલાક જિલ્લામાં હુમલાના બનાવ બનતાં કોઈપણ જાણ કર્યા વગર અલ્પેશે આ ઉપવાસ નહોતા કર્યા. હવે બાળકીને ન્યાય માટેના સદભાવના ઉપવાસ કેન્સલ કરીને પરપ્રાંતીય અને ઠાકોર સેનામાં સદભાવના જન્મે તેવા પ્રયાસ માટે ઉપવાસ કરે છે. ઠાકોર અધિકાર આંદોલન માટે ઠાકોર અધિકાર યાત્રાનો એક કાર્યક્રમ અલ્પેશ ઠાકોર યોજવાના હતા. પરંતુ કાર્યકર્તાઓની રજૂઆત અને અગમ્ય કારણોસર મુલત્વી રાખ્યો હતો.

અને તેને ૧૧મી ઓક્ટોબરથી યોજવાની જાહેરાત કરી હતી. જે મુજબ, અલ્પેશ ઠાકોરે આજે સદ્‌ભાવના ઉપવાસ યોજયા હતા. દરમ્યાન અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીય હુમલામાં પોતાનો કોઈ હાથ ન હોવાનું અને તેમને તથા તેમની ઠાકોર સેનાને ખોટી રીતે બદનામ કરીને રાજનીતિ કરવામાં આવતી હોવાનો ભાજપ પર આરોપ લગાવ્યો હતો.

Previous articleનિરવ મોદીને કસ્ટમ વિભાગે ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું
Next articleકિલર સ્વાઈન ફ્લુથી વધુ ૩ મોત : સેંકડો સારવાર હેઠળ