એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે જુદી જુદી કોર્ટના આદેશને ફગાી દેવા બદલ આમ્રપાલી ગ્રુપના સીએમડી સહિત ત્રણ ડિરેક્ટરો સામે આજે તિરસ્કાર નોટિસ જારી કરી હતી. સાથે સાથે ચાર સપ્તાહની અંદર જવાબ આપવા માટે આદેશ કર્યો હતો.
જસ્ટિસ યુયુ લલિત, ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે આમ્રપાલીના ત્રણ ડિરેક્ટરો અનિલકુમાર શર્મા, શિવપ્રિયા અને અજયકુમારનેઆવતીકાલે સવારે આઠ વાગે નોઇડા સેક્ટર ૬૨ના એસએચઓ સમક્ષ ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો. નોઇડા પોલીસને પણ કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે નોઇડા એસએસપીને છ વાગ્યા બાદ તેમને હોટલ પાર્ક ખાતે લઇ જવા માટે આદેશ કર્યો હતો જ્યાં તેઓ આગામી ૧૫ દિવસ રોકાશે. તેમની ૪૬ કંપનીઓના દસ્તાતવેજોની ચકાસણી હાલમાં કરવામાં આવી રહી છે.
નોઇડા અને ગ્રેટર નોઇડામાં આમ્રપાલી ગ્રુપની સીલ કરવામાં આવેલી સંપત્તિ આવતીકાલે સારે આઠ વાગે ખોલવામાં આવશે. આગામી ૧૫ દિવસ સુધી દસ્તાવેજોને કેટેગરી મુજબ અલગ પાડવામાં આવશે. બેંચે બે ફોરેન્સિક ઓડિટરો રવિ ભાટિયા અને પવનકુમાર અગ્રવાલને ઓડિટની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે. આગામી ૧૦ સપ્તાહમાં ૪૬ આમ્રપાલી ગ્રુપની કંપનીઓની બાબતને પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ૯મી ઓક્ટોબરના દિવસે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. આમ્રપાલી ગ્રુપ દ્વારા દસ્તાવેજ જમા કરવાને લઇને કરવામાં આવી રહેલી બેદરકારીને લઇને સુપ્રીમ કોર્ટ ભારે લાલઘૂમ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આમ્રપાલી ગ્રુપના ત્રણ ડિરેક્ટરોને પોલીસે પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, દસ્તાવેજો જમા કરવામાં ન આવે ત્યાં સુધી ત્રણેય ડિરેક્ટરો પોલીસની કસ્ટડીમાં રહેશે. આમ્રપાલી રિયલ એસ્ટેટ ગ્રુપના ડિરેક્ટરો અનિલકુમાર શર્મા, શિવપ્રિયા, અજયકુમારને પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. આમ્રપાલી ગ્રુપના બાકી રહેલા પ્રોજેક્ટોના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં રોકાણકારોના પૈસા અટવાઈ પડ્યા છે. સુપ્રીમ કોર્ટે ડેવલપરને ચેતવણી આપતા કહ્યું છે કે, ડેવલપરદ્વારા કોઇપણ પ્રકારની રમત રમવામાં આવશે તો તેમને મુશ્કેલી નડશે. સુપ્રીમ કોર્ટે ગઇકાલે જ મુશ્કેલીમાં મુકાયેલી રિયલ એસ્ટેટ કંપનીની નવ પ્રોપર્ટી સીલ કરવાનો આદેશ કર્યો હતો. કારણ કે, કસ્ટડીમાં લેવામાં આવેલા ત્રણ ડિરેક્ટરોએ કહ્યું હતું કે, ગ્રુપની ૪૬ કંપનીઓ પૈકીના દસ્તાવેજો અહીં સ્ટોર કરવામાં આવેલા છે. કોર્ટ સમક્ષ ત્રણ ડિરેક્ટરો તરફથી એક અરજી દાખલ કરાઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ દસ્તાવેજો સોંપવા માટે તૈયાર છે પરંતુ કઇ જગ્યાએ દસ્તાવેજો પડેલા છે અને કયા દસ્તાવેજોની ચકાસણીની જરૂર છે તેમાં તપાસની જરૂર છે.