રાજ્યમાં ૯ અને ૧૪ ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે વિવિધ રાજ્યોના અંદાજે ૩૦૦થી વધુ સનદી અને પોલીસ અધિકારીઓ આગામી દિવસોમાં ગુજરાત આવી પહોંચશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયામાં જનરલ ઓબ્ઝર્વર, પોલીસ ઓબ્ઝર્વર અને એક્ષ્પેન્ડીચર (ખર્ચ) ઓબ્ઝર્વર એમ ત્રણ પ્રકારના નિરીક્ષકો તમામ બેઠકો પરની ગતિવિધિ પર નજર રાખશે. આ ઓબ્ઝર્વર્સ દિલ્હી ખાતેના કેન્દ્રિય ચૂંટણી પંચને સીધો રિપોર્ટ કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા વિવિધ રાજ્યોની કેડરના આઇએએસ, આઇઆરએસ અને આઇપીએસ અધિકારી ઓની યાદી તૈયાર કરી દીધી છે. હવે આગામી દિવસોમાં તબક્કાવાર આ ઓબ્ઝર્વર્સ ગુજરાત આવી પહોંચશે. આઇએએસ અધિકારીઓને જનરલ ઓબ્ઝર્વર તરીકે ફરજ સોંપવામાં આવશે. આઇપીએસ અધિકારીઓ પોલીસ ઓબ્ઝર્વર તરીકે કાયદો- વ્યવસ્થાની સ્થિતિ પર નજર રાખશે જ્યારે ઉમેદવારો દ્વારા થતા ખર્ચ પર નજર રાખવા અને તેમના હિસાબો તપાસવા એક્ષ્પેન્ડીચર ઓબ્ઝર્વર તરીકે ઇન્કમટેક્સ, ઇડી જેવા વિભાગોમાં ફરજ બજાવતા આઇ.આર.એસ. અધિકારીઓને મૂકવામાં આવશે. જ્યારે પોલીસ ઓબ્ઝર્વર જિલ્લા દીઠ એક અને સંવેદનશીલ વિસ્તાર હોય ત્યાં એકથી વધુ મૂકવામાં આવશે. ઓબ્ઝર્વરના હાથનીચે પણ અધિકારીઓની ટીમ મૂકાશે. ઉમેદવારી પત્રો ભરાવાની શરૂઆત થતાની સાથે જ ઓબ્ઝર્વરો ગુજરાત આવી જશે.