ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, અફવા, અપપ્રચાર, અશાંતિ અને અરાજકતા ફેલાવનારી પાર્ટી એટલે કોંગ્રેસ. કોંગ્રેસે જ્ઞાતિવાદ, કોમવાદ ફેલાવવાના પ્રયાસ કર્યો હતો. હવે બીજા રાજ્યોમાં ચુંટણીઓ છે. કોંગ્રેસે પ્રાંતવાદ દ્વારા ગુજરાતને બદનામ કરવાનો કારસો રચ્યો હતો.પહેલાં કોંગ્રેસનાં ધારાસભ્યોએ હિંસા ફેલાય તેવા ભાષણો કર્યાં, કોંગ્રેસના લોકોએ સોશીયલ મિડીયામાં ઉશ્કેરણીજનક પોસ્ટ મુકી, હિંસાની ઘટનાઓમાં કોંગ્રેસના લોકો જ પકડાયાં એટલે કોંગ્રેસ ગુજરાતમાં વેરઝેર અને અશાંતિ ફેલાવવાના ષડયંત્રોમાં ખુલ્લી પડી ગઈ છે. જનતામાં કોંગ્રેસ પ્રત્યે ધિક્કારની લાગણી ઊભી થઈ છે. ત્યારે કોંગ્રેસના બિહારના પ્રભારીશ્રી શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ અને ગુજરાતને બદનામ કરવા માટે દિલ્હી જઈને પ્રેસ કોન્ફરન્સ કરવી પડી છે. દેશની જનતા એ કોંગ્રેસને કેન્દ્ર સરકાર અને ૧૬-૧૭ રાજ્યો માંથી હટાવી દીધી છે એટલે કોંગ્રેસને ભાજપનું નેતૃત્વ આંખના કણાંની જેમ ખૂંચે છે અને વારંવાર ગુજરાતને ટાર્ગેટ કરીને બદનામ કરે છે. પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસની રાષ્ટ્રપતિ શાસન નાંખનારી વાત એ ચોર કોટવાલને દંડે તેવી છે. વારંવાર બિનકોંગ્રેસી સરકારો પર રાષ્ટ્રપતિ શાસન નાંખનારી કોંગ્રસે લોકશાહી વિરૂદ્ધ વિકૃત માનસિકતા પ્રદર્શિત કરી છે. બીજી બાજૂ સત્તા વગર તડફડતી કોંગ્રેસ સમાંતર સરકારની હાસ્યાસ્પદ વાત કરી રહી છે. શક્તિસિંહે દિલ્હીની પત્રકાર પરીષદમાં પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોની વિડીયો, સોશીયલ મિડીયાની પોસ્ટ, ધરપકડ થયેલાં કોંગ્રેસી નેતાઓના નામો આપવાની જરૂર હતી. પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જૂથબંધીની પરાકાષ્ઠા છે અને કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર મતભેદો હોવાથી કોંગ્રેસના પ્રમુખ, વિપક્ષ નેતા અને કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો મિડીયામાં વધુ દેખાવાની સ્પર્ધા ભાજપના નેતૃત્વ સામે જોરશોરથી ગાળાગાળી અને જૂઠ્ઠા આક્ષેપો લગાવી રહી છે.
જયારે કોંગ્રેસ આ જ્ઞાતિવાદ, કોમવાદ અને હવે પ્રાંતવાદના ષડયંત્રો ખુલ્લા પડી ગયાં છે. ત્યારે આખી કોંગ્રેસ પાર્ટીને વિખેરી નાંખવી જોઈએ તેવી વાત મહાત્મા ગાંધીજીએ કરી હતી. તે સંપૂર્ણ સાચી પૂરવાર થઈ છે. કારણ કે, હવે ગુજરાતની જનતામાં વેરઝેર, અશાંતિ અને જ્ઞાતિવાદ, કોમવાદ અને પ્રાંતવાદના કોંગ્રેસના કારનામાઓ પછી ગુજરાતની જનતા માની રહી છે કે કોંગ્રેસ હવે વિપક્ષને પણ લાયક નથી. પંડયાએ જણાવ્યું હતું કે, એકબાજૂ ભાજપ સરકાર સરદાર પટેલનું માન-સન્માન વધે, વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની પ્રતિમાનું લોકાર્પણની તૈયારી દ્વારા ગુજરાતનું ગૌરવ વધે તે માટે પ્રયાસો કરી રહી છે. બીજીબાજૂ કોંગ્રેસ ગુજરાત બદનામ થાય તેવા પ્રયાસો કરે છે. એકબાજૂ સરદાર પટેલ પ્રતિમા, અનાવરણ પહેલાં ગુજરાતમાં તારીખ ૨૦ થી એકતા યાત્રા કાઢી રહી છે. ત્યારે કોંગ્રેસ એકતા તોડોનાં કાર્યક્રમો હાથ ધરી રહી છે. ભાજપ સરકાર એકબાજૂ ગાંધીજીના પ્રેમ, અહિંસાના વિચારો સાથે ૧૫૦મી જન્મજયંતિના કાર્યક્રમો હાથ ધરી રહી છે. બીજીબાજૂ કોંગ્રેસ વેરઝેર અને હિંસાત્મક કાર્યક્રમો કરી રહી છે, એટલે ગુજરાતની જનતા સ્પષ્ટ માને છે. કોંગ્રેસના વિચારો, નિવેદનો અને કાર્યક્રમો ગુજરાતની જનતા માટે વિઘાતક છે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.