જેસર તાબેના રાણી ગામે પાંચ દિવસ પૂર્વે દલીત યુવાનની છરીના અને બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જે ગુન્હામાં મૃતકના ભાઈએ જેસર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે યુવાનની હત્યા કરનાર ત્રણ કૌટુમ્બીક ભાઈઓને ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ગત તા.૩ના રોજ જેસર તાબેના રાણી ગામે (દેપલા) શેત્રુંજી પુલ નજીક દલીત યુવાન નાગજીભાઈ મીઠાભાઈ ગોહેલ ઉ.વ.રરની બોથડ પદાર્થ અને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરાઈ હતી. બનાવ સંદર્ભે મૃતકના ભાઈ લાલજીભાઈ ગોહેલે જેસર પોલીસમાં કૌટુમ્બીક કાકી સાથેના આડા સંબંધની શંકા રાખી મીઠાભાઈ, હિંમતભાઈ અને કાળુભાઈએ હત્યા કરી હોવાની ફરિયાદ આપી હતી. બનાવ અંગે જેસર પોલીસે ગુનો નોંધી ગુન્હાની તપાસ પીએસઆઈ બી.કે. પરમારે હાથ ધરતા પોલીસ સ્ટાફે આજરોજ આડાસંબંધની શંકા રાખી યુવાન નાગજીભાઈની હત્યા કરનાર મીઠાભાઈ ભગાભાઈ ગોહિલ, કાળુભાઈ ભગાભાઈ ગોહિલ અને હિંમતભાઈ કમાભાઈ ગોહિલ રે. ત્રણેય મુળ રાણી ગામવાળાને ઝડપી લીધા છે અને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આજરોજ ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરાશે તેમ જાણવા મળ્યું હતું.