ફેસબુકે ૩ કરોડ યુઝર્સના ડેટા ચોરી થયા હોવાનું સ્વીકાર્યું

1001

સોશ્યિલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકે એક બ્લોગમાં ખુલાસો કર્યો છે કે હેકર્સ ગત મહિને લગભગ ૩ કરોડ યુઝર્સના અકાઉન્ટને હેક કરવામાં સફળ રહ્યા હતા. આ ૩ કરોડમાંથી લગભગ ૨ કરોડ ૯૦ લાખ યુઝર્સના ફેસબુક અકાઉન્ટમાંથી ડેટા ચોરી કરવાની વાત સામે આવી છે.નોંધનીય છે કે, ગત મહિને કંપનીએ ખુલાસો કર્યો હતો કે, હેકર્સે ૫ કરોડ યુઝર્સના અકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ તેનાથી પ્રભાવિત અકાઉન્ટની વિગતો માંગવામાં આવી હતી. જેના જવાબમાં આજે ફેસબુકના વાઇસ પ્રેઝિડેન્ટે હેકર્સ દ્વારા ડેટા ચોરી કરવાની જાણકારી આપી હતી.

રિપોટ્‌ર્સ મુજબ લગભગ ૧.૫ કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટની વિગતો ચોરાઇ છે, જેમાં તેમના ફોન નંબર, ઇ-મેઇલ અને પ્રોફાઇલની વિગતો સામેલ છે. ત્યાંજ ૧.૪ કરોડ યુઝર્સ એવા છે જેમના કોન્ટેક્ટની વિગતો સિવાય તેમના પ્રોફાઇલ સંબંધિત માહિતી પણ હેક કરાઇ હોય, જેમાં તેમના યુઝરનેમ, જાતિ, ભાષા, રિલેશનશિપ, ધર્મ, જન્મદિન, શિક્ષણ અને છેલ્લી ૧૦ જગ્યાઓના પ્રવાસના સ્થળો જેવી ખાનગી વિગતો તેમાં સામેલ છે. કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે એફબીઆઇનો સહયોગ કરી રહ્યા છે, જે આ મામલે સક્રિય રીતે તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, ગત મહિને ૫ કરોડ ફેસબુક યુઝર્સના અકાઉન્ટ હેક કરાયાની ઘટના સામે આવી હતી, ત્યારબાદ કંપનીએ તાત્કાલિક વ્યુ એઝ ફીચરને હટાવી લીધું હતું.

કંપનીના મતે હેકર્સે વ્યુ એઝ ફીચર દ્વારા એક્સેસ ટોકન ચોરી લીધો હતો, જેના દ્વારા તેઓ અમુક હદ સુધી લોકોના અકાઉન્ટ હેક કરવામાં સફળ રહ્યા હતા. જોકે કંપની ત્યારે પાસે આ વાતની જાણકારી નહતી કે, આ ફિચરનો દુરુપયોગ કરીને યુઝર્સના ડેટાની ચોરી કરાઇ છે, પરંતુ કંપનીએ હવે સ્પષ્ટ કર્યું છે કે, આ દરમિયાન લગભગ ૨.૯ કરોડ અકાઉન્ટના ડેટાની ચોરી કરાઇ હતી.

Previous articleદેશમાં એક સમાન સ્ટેમ્પ ડ્યુટી માટે કાનૂન બદલવા તખ્તો તૈયાર
Next articleમારે ભીડ એકઠી નથી કરવી, લોકો યોગ્તાનાં આધારે અમેરિકા આવશે તો ગમશેઃ ટ્રમ્પ