સરકારે ખાનગી વીજ કંપનીઓ સાથે કરેલા પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (પીપીએ)માં નક્કી કરેલા યુનિટ દીઠ ભાવો કરતા ઉંચા ભાવે વીજળી ખરીદીને અદાણી પાવર, એસ્સાર પાવર અને ટાટા પાવર કંપનીને રૂપિયા ૪૧૦૦ કરોડ જેટલી રકમ ચૂકવી મોટો ફાયદો કરાવ્યો હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ગુજરાત સરકારે વર્ષ ૨૦૦૭માં અદાણી પાવર, એસ્સાર પાવર અને ટાટા પાવર સાથે ૨૫ વર્ષ માટે વીજ ખરીદીના કરાર કર્યા હતા. જેમાં દર્શાવેલા ભાવો કરતા વધારે ભાવે ખરીદી કરાઇ હતી. વર્ષ ૨૦૧૬-૧૭માં અદાણી પાસેથી યુનિટ દીઠ રૂ. ૩.૨૨, એસ્સાર પાસેથી રૂ.૩.૬૦ અને ટાટા પાસેથી રૂ.૨.૭૧ના ભાવે વીજળી ખરીદાઇ હતી. જે મુજબ એસ્સાર પાવરને વધારાના ૧૮૫૧ કરોડ, અદાણીને ૧૦૪૪ કરોડ અ ટાટાને ૧૧૬૪ કરોડ જેટલા નાણા ચૂકવાયા છે.
ગુજરાત હાઇપાવર કમિટીએ સુપ્રિમ કોર્ટના એપ્રિલ ૨૦૧૭ના ચુકાદા સામે ૮૫ પૈસાનો ભાવ વધારો આપવાની ભલામણ કરી આપવાનું નક્કી કર્યું છે તે ગુજરાતના ૧.૧૪ કરોડ વીજ ગ્રાહકો માટે ગેરવ્યાજબી છે અને ગુજરાતની તિજોરીને નુકસાન કરાવવાનો નિર્ણય છે તેનું કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું.