કડી-છત્રાલ જીઆઈડીસીમાં લક્ષ્મી પેટ્રોલપંપની સામે આવેલા એમટીટી એન્ટરપાઈઝ નામના ભંગારના ગોડાઉનમાં શનિવારે બપોરે અગમ્ય કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ધુમાડાના ગોટેગોટા જોઇ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. કડી, કલોલ અને મહેસાણાના ૧૦ ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવતાં ૭ કલાક બાદ આગ કાબુમાં આવી હતી.
આગમાં પ્લાસ્ટિક, લાકડાં, લોખંડ, ટાઈલ્સ, કેમિકલના પીપ, ગેસના સિલિન્ડર તેમજ ભંગાર ટ્રકો અને કાર સહિત ૨૦ જેટલા વાહનો ખાખ થઇ ગયા હતા. કડી પાલિકાના ફાયર સેફ્ટી ઓફિસર ના જણાવ્યા મુજબ, આગ કાબુમાં લેવા ૪ લાખ લિટર જેટલા પાણીનો વપરાશ થયો છે. આગનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.