ગુજરાત માધમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી માર્ચ ર૦૧૯ની ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાની રજિસ્ટ્રેશન-પરીક્ષા ફીમાંથી પહેલી વાર દિવ્યાંગો અને વિદ્યાર્થિનીઓને માફી આપવામાં આવી છે. માર્ચ-ર૦૧૯માં લેવાનારી ધોરણ-૧૦, ધોરણ-૧ર, સામાન્ય પ્રવાહ અને ૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં અંદાજે ૭ લાખ જેટલી વિદ્યાર્થિનીઓનું રજિસ્ટ્રેશન થશે. જ્યારે દિવ્યાંગ વિદ્યાર્થિઓની સંખ્યા અંદાજે ૮ હજારથી વધુ હશે. રાજય સરકારે આ વર્ષે બોર્ડ પરીક્ષા ફી માફી માટે રૂ ર૮.૪ર કરોડની જોગવાઈ કરી છે. વિદ્યાર્થી માટે પરીક્ષા માટેનાં આવેદનપત્રો ભરાવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શાળાકક્ષાએ ઓનલાઇન શરૂ થશે. રજિસ્ટ્રેશન પૂરું થયા બાદ કેટલી વિદ્યાર્થિનીઓ અને કેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે તેનો ચોક્કસ આંક મળેથી સરકાર ફી માફી અંગેની રકમની શિક્ષણ વિભાગને ચુકવણી કરશે. સરકારે એક તબક્કે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવાની જાહેરાત કર્યા બાદ જુલાઈ માસમાં લેવાયેલી પૂરક પરીક્ષામાં તેનો અમલ કર્યો હતો.
જુલાઈમાં ધોરણ-૧૦ની પૂરક પરીક્ષામાં ૩ર,૦૮૭, વિદ્યાર્થિનીઓ અને ૯ર૮ દિવ્યાંગોની ફી માફ કરાઈ હતી. જ્યારે ધોરણ-૧૧ સામાન્ય પ્રવાહમાં ૩ર,૭પ૩ વિદ્યાર્થિનીઓ અને ૬૬પ દિવ્યાંગો, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ૩પ૧૩ અને ૧૮ને પરીક્ષા ફીમાં મુક્તિ અપાઈ હતી. રાજ્યભરમાં દર વર્ષે ધોરણ-૧૦માં ૧૦ લાખથી વધુ અને સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-૧રમાં ૬ લાખથી વધુ એમ અંદાજે ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર થાય છે, જેમાં ૩પ ટકા સંખ્યા વિદ્યાર્થિનીઓની હોય છે. પરીક્ષા ફી નહીં લાગવાના કારણે શિક્ષણ વિભાગને આવકની થનારી ખોટ સરકાર ભરપાઈ કરશે. તાજેતરમાં જ શિક્ષણ વિભાગે વિસ્તારદીઠ બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર થતાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ અને પ્રિન્ટની સુવિધા પેટે રૂ. ૧૦ની ચુકવણીની જાહેરાત કરી છે. આ નવા નિર્ણયના કારણે વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગોને રૂ. ૩૦૦ જેટલી પરીક્ષા ફી નહીં ભરવી પડે. સરકારના આ નવા રાહતભર્યા નિર્ણયથી ધો-૧૦ અને ૧૨માં થઇ અંદાજે સાત લાખથી વધુ વિદ્યાર્થીની અને આઠ હજારથી વધુ દિવ્યાંગોને લાભ મળશે.