આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર નિર્માણની માંગને લઇને ૩૧મી તારીખે લખનૌથી અયોધ્યા કુચનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રવિણ તોગડિયાએ અયોધ્યા કુચ રાખીને વહીવટીતંત્રની ઉંઘ હરામ કરી દીધી છે જેના પગલે ગુપ્તચર વિભાગને એલર્ટ કરી દેવાના આદેશ જારી કરાયા છે. પ્રદેશભરમાંથી ગુપ્તચર એજન્સીઓના માધ્યમથી કાર્યકરોના સંપર્ક કરીને સંખ્યાબળની માહિતી મેળવવામાં આવી રહી છે. સુત્રોના કહેવા મુજબ લખનૌથી યાત્રાની શરૂઆત થશે પરંતુ ફૈઝાબાદની સરહદથી અયોધ્યાની અંદર પ્રવેશ કરવાની મંજુરી સંખ્યાબળને ધ્યાનમાં લઇને આપવામાં આવશે. વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનોની નજર આના પર કેન્દ્રિત થઇ ગઇ છે.
પ્રવિણ તોગડિયાના અયોધ્યા કુચે નવી સમસ્યા ઉભી કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ક્ષેત્રીય સંગઠન મંત્રી જીતેન્દ્ર શાસ્ત્રીએ પોતાના કાર્યક્રમની માહિતી આપતા કહ્યું છે કે, ૨૧મી તારીખના દિવસે લખનૌથી અયોધ્યા સુધી કુચ કાર્યક્રમ યોજવામાં આવશે. ૨૨મી તારીખે સવારે તમામ રામભક્તો અયોધ્યા પહોંચશે. ૨૨મી તારીખના દિવસે અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડાની સાથે સામૂહિકરીતે ૨૪ કલાકના અનશનનું આયોજન કરાશે. ૨૩મી તારીખે સંતોના માર્ગદર્શનમાં સરયુ નદી ઉપર સંકલ્પ સભા યોજવામાં આવશે. રામ મંદિર માટે સરકાર કાનૂન બનાવે તેવી માંગ કરવામાં આવશે. અયોધ્યાના સીઓ આરકે રાવે કહ્યું છે કે, હજુ સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંગઠન તરફથી મંજુરીને લઇને કોઇ દસ્તાવેજો આવ્યા નથી. જો મંજુરી માંગવામાં આવશે તો વિચારણા કરવામાં આવશે. હાલમાં જિલ્લામાં કલમ ૧૪૪ અને ૨૪ તારીખ સુધી મૂર્તિ વિસર્જનના કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. તોગડિયાની ગતિવિધિ ઉપર નજર છે.