રૂપાલ ખાતે આજે પ્રસિધ્ધ પલ્લી ભરાશે : લાખો ભકતો ઉમટશે

1371

ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી છેલ્લા પાંચ હજાર વર્ષથી દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે. આ વખતે  નોમની રાત્રે એટલે  તા.૧૮ ઓકટોબરના રોજ  મધરાત બાદ રૂપાલ ગામમાં પલ્લી નીકાળવામાં આવશે.

આ પલ્લી મેળા માટે વહીવટી તંત્ર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. આ વખતે અંદાજિત ૧૦ લાખથી પણ વધુ ભક્તો ઉમટશે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે જેને લઈ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સઘન કરી દેવાઈ છે. તો  સીસીટીવી કેમેરાની મદદથી રૂપાલ પલ્લી મેળાનું મોનીટરીંગ કરવામાં આવશે.

શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમા રૂપાલ વરદાયીની માતાજી મંદિરમાં દર વર્ષે નવરાત્રીના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો ભરાય છે અને આસ્થાની સાથે કોમી એકતાના પ્રતિકસમા રૂપાલનો આ પલ્લી મેળો આ વખતે તા.૧૮ ઓકટોબરના રોજ યોજાશે. રૂપાલમાં પરંપરાગત રીતે નોમની રાત્રીએ  પલ્લી નિકળશે. દર વર્ષની જેમ સઘળી કામગીરી ગ્રામજનોએ સંભાળી દીધી છે. ત્યારે આ વખતે પલ્લીના મેળામાં ૧૦ લાખથી વધુ માઈ ભક્તો ઉમટશે તેવો અંદાજ લાગવવામાં આવ્યો છે. તેમજ ગામના વિવિધ ચોક અને ચોરામાં ચોખ્ખું ઘી રાખવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

તો આ ધાર્મિક કાર્યક્રમમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે. જેમાં એક હજારથી વધુ પોલીસ જવાનોની સાથે હોમગાર્ડ, મહિલા એસઆરપી તેમજ ટ્રાફિક પોલીસના જવાનો પણ તૈનાત રાખવામાં આવશે. તો સાંજે ચાર વાગ્યા પછી ગામમાં વાહનો ઉપર પ્રવેશબંધી કરી દેવામાં આવશે. ત્યારે આ વર્ષે પલ્લી મેળાનું રેકોડ’ગ થઈ શકે અને ભીડ ઉપર નજર રહી શકે તે માટે અનેક જગ્યોઅ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ મંદિર પરીસરમાં પણ ર૪ કેમેરા લગાડાયા છે. તો ફાયર બ્રિગેડને પણ મંદિરની આસપાસ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાના હોવાથી આરોગ્ય વિભાગની ટીમોને પણ તૈનાત રાખવામાં આવનાર છે. પલ્લી મેળામાં શુધ્ધ ઘી ચઢાવવાની પરંપરા હોવાથી ફુડ એન્ડ ડ્રગ્સની ટીમ દ્વારા ઘીના પરિક્ષણ પણ કરવામાં આવશે તો રાત્રીના સમયે ગામમાં વીજ પુરવઠો ના ખોરવાય તે માટે અલગ અલગ ચાર સોર્સ તૈયાર કરવામાં આવ્યા છે અને યુજીવીસીએલના  કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે.

પંચાયત તથા મંદિર ટ્રસ્ટ તરફથી સંયુકત માર્ગદર્શન કેમ્પ પણ બનાવવામાં આવ્યો છે. તો આવતીકાલે રાત્રે નીકળનારી આ પલ્લી સમયસર તમામ રૂટ ઉપરથી પસાર થાય તે માટે વહીવટી તંત્રએ અગાઉથી જ સ્વયંસેવકો અને ગામના આગેવાનો સાથે બેઠક કરી હતી. દર વર્ષે નવા લાકડામાંથી પલ્લી તૈયાર કરવામાં આવે છે ત્યારે પલ્લી બનાવનારા આગેવાનોને પણ તંત્રએ ઝડપી કામગીરી કરવા માટે અપીલ કરી હતી.

રૂપાલની પલ્લી માટે ગાંધીનગર ડેપોથી વધારાની બસો દોડાવાશે

આસોસુદ નોમના દિવસે જિલ્લાના રૂપાલ ગામે ભરાતાં પલ્લીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં હોય છે ત્યારે આ ભક્તોની અવર જવર માટે એસટી ડેપો દ્વારા પણ ખાસ વધારાની બસો દોડવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે નવરાત્રીની નોમના દિવસે પલ્લીનો મેળો ભરાતો હોય છે. મહાભારતના કાળથી ચાલી આવતી પલ્લીના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે ત્યારે આ ભક્તોને અવર જવરમાં સરળતાં પ્રાપ્ત થઇ શકે તે માટે ગાંધીનગર ડેપો દ્વારા વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે ગુરુવાર બપોર પછી વધારાની બસો ગાંધીનગરથી રૂપાલના માર્ગ ઉપર દોડશે. ડેપો દ્વારા ૨૦ બસોની ફાળવણી આ રૂટ ઉપર કરવામાં આવી છે. ત્યારે પલ્લીનો મેળો પુર્ણ થયાં બાદ દશમના દિવસે સવાર સુધી ભરાતાં મેળામાં ઉપસ્થિત રહેલાં ભક્તો માટે ૭૦ થી ૮૦ ટ્રીપોનું સંચાલન ગાંધીનગર ડેપો દ્વારા કરવામાં આવશે.

Previous articleકે.પી. ભવન, અમદાવાદ ખાતે નિર્માણ પામનાર હોસ્ટેલનું ભૂમિ પૂજન કરાયું
Next articleઓ.પી.કોહલીએ દુર્ગાષ્ટમી નિમિત્તે યોજાયેલ મહાઆરતી કરી મા દુર્ગાના પૂજન અર્ચન કર્યા