HSRPની મુદ્દતમાં ચાર માસનો વધારો થતા લોકોમાં ઉદાસીનતા !!

579

જૂનાં વાહનોમાં એચએસઆરપી (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદતમાં ચાર વાર વધારો કરવા છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. એચએસઆરપી માટેની આખરી મુુદત ૩૧ ડિસેમ્બર છે.

આરટીઓમાં ૩૦ જુલાઈ સુધી જૂનાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવા જે ધસારો થતો હતો તેમાં હવે ચાર માસની મુદત વધતાં જ લોકોમાં ઉદાસીનતા આવી ગઇ છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા આવનારાઓની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. આરટીઓ કંપાઉન્ડમાં લોકો ભરઉનાળાના તડકામાં કે વરસતા વરસાદમાં ભીંજાઈને એચએસઆરપી માટે લાઇનો લગાવી કલાકોનો સમય કાઢતા હતા પણ ત્યાં હવે આસાનીથી એચએસઆરપી લગાવવાની કામગીરી થાય છે. વારંવારની સૂચના છતાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવા પ્રત્યે લોકો બેદરકારી રાખી રહ્યા છે અને ઉદાસીન બની રહ્યા છે.

એચએસઆરપી લગાવવાની આખરી તારીખ સૌપ્રથમ ર૮ ફેબ્રુઆરી હતી, જે વધારીને હવે ૩૧ માર્ચ કરાઇ હતી, પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરમાં લખો વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી હોઈ ફરી એક વાર મુદત વધારીને ૩૧ જુલાઈ કરવામાં આવી. ત્યારબાદ આખરી તારીખ લંબાવીને ૩૧ ડિસેમ્બર કરતાં હજુ બહુ સમય બાકી છે તેવું વિચારીને લોકો ઉદાસીન બન્યા છે.

વારંવાર આખરી તારીખ લંબાવવાના કારણે એચએસઆરપી બાબતે હવે લોકોનો રસ ઘટ્યો છે. વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ હવે પછી આ મુદતમાં વધારો કરવામાં આવશે નહીં. અમદાવાદ આરટીઓમાં રોજની ૯૦૦ નંબર પ્લેટ ફિટ થઇ શકે. ડિમ્ડ આરટીઓ દ્વારા લગાવાતી નંબર પ્લેટ સહિત અંદાજ મૂકવામાં આવે તો હજુ પણ બીજાં બેથી ત્રણ વર્ષે માંડ તમામ વાહનમાં એચએસઆરપી લાગી શકે. શહેરમાં ૯૦થી વધુ ડિમ્ડ આરટીઓ ડીલર છે.

Previous articleબજાર કરતા ઉંચા ટેકાના ભાવે ડાંગર તેમજ બાજરીની ખરીદી
Next articleગુજરાતની ૬૦૦ ટીડીએસ કંપનીઓ પર આઈટીની બાજ નજર : ત્રાટકવાની તૈયારીમાં