ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું જે વાતને સાર્થક કરતી ઘટના સિહોરના રજપૂત પરિવાર સાથે બનવા પામી છે. પોતાની લગ્નની કંકોત્રી કુટુંબીજનોને દેવા નિકળેલા યુવાનને તળાજા પાસે લક્ઝરી બસના ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજાઓ થતા સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે. જે ઘરમાં ૧૦ દિવસ પછી લગ્નગીતો ગવાવાના હતા ત્યાં માતમ છવાઈ જતાં રજપૂત પરિવારમાં શોક સાથે અરેરાટી ફેલાઈ જવા પામી છે.
બનાવની મળતી વિગત મુજબ, સિહોરમાં ઓમ પાર્ક ખાતે રહેતા રજપૂત લખુભાઈ ચૌહાણનો પુત્ર અનિરૂધ્ધના લગ્ન આગામી તા.રરના રોજ યોજાવાના હતા. જે પ્રસંગની કંકોત્રી કુટુંબીજનોને દેવા અનિરૂધ્ધભાઈ ચૌહાણ ઉ.વ.ર૪ પોતાનું બાઈક નં.જી.જે.૪.બી.એલ. ૬ર૧૩ પર નિકળ્યા હતા. મહુવા ખાતે સંબંધીઓને કંકોત્રી આપી પરત ફરતા હતા તે વેળાએ તળાજા શેત્રુંજી પુલ નજીક સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી સીતારામ ટ્રાવેલ્સની લકઝરી બસ નં.જીજે૧૪ઝેડ ૩૩૯૯ના ચાલકે બાઈક ચાલક અનિરૂધ્ધભાઈને અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને તુરત સારવાર અર્થે ભાગવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજવા પામ્યું હતું. બનાવ બનતા સમગ્ર રજપૂત સમાજમાં શોક સાથે અરેરાટી ફેલાઈ જવા પામી હતી.