ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં અત્યારે સરેરાશ ૩૮.૬૦ ટકા જેટલું પાણી છે. ૧૫ પૈકી મહત્વના ૬ ડેમમાં ૩૩ ટકાથી પણ ઓછું પાણી છે. ૨૦.૨૯ ટકા સાથે સાબરકાંઠાના ગુહાઇ ડેમની સૌથી કફોડી સ્થિતિમાં છે. ધરોઇમાં ૩૨.૭૨% જ પાણી છે, જે જરૂરિયાત કરતાં ૩૭.૨૩% ઓછું છે. જે પીવાના ઉપયોગ માટે પૂરતો જથ્થો છે, પણ પિયત માટે આપી શકાય તેવી સ્થિતિમાં નથી. હજુ હમણાં ચોમાસુ પૂર્ણ થયું છે અને ડેમોની આ સ્થિતિ હોઇ આગામી ઉનાળા સુધીમાં ઉત્તર ગુજરાતના મોટાભાગના ડેમ તળિયા ઝાટક થઇ બની શકે છે. જેને લઇ પિયત તો દૂરની વાત રહી પીવાના પાણીની પણ ખેંચ સર્જાઇ શકે છે.
અનિયમિત વરસાદના કારણે મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના ૪ ડેમની પરિસ્થિતિ વધુ કફોડી છે. જ્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ૧૧ ડેમ પૈકી ૯ ડેમની પરિસ્થિતિ હાલમાં સારી છે. મહેસાણાના ધરોઇ ડેમમાં ૩૨.૭૨ ટકા અને બનાસકાંઠાના દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ મળી કુલ ૩ ડેમમાં સરેરાશ ૨૩.૯૨ ટકા પાણીના જથ્થા સાથે ખરાબ સ્થિતિમાં છે.
ઉલ્લેખનીય છે કે, હાલની સ્થિતિએ ધરોઇ ડેમમાં ૯૩૦૦ એમસી એફટી પાણી છે. જેમાંથી ૧૪૦૦ એમસી એફટી ડેડસ્ટોક બાદ કરતાં ૭૯૦૦ એમસી એફટી પાણી ઉપયોગમાં લઇ શકાય તેમ છે. આગામી જુલાઇ-૨૦૧૯ સુધીમાં ૬૯૦૦ એકસીએફટી પાણીના વપરાશનો અંદાજ છે. હાલમાં સાબરમતી નદીને જીવંત રાખવા માટે ધરોઇ ડેમમાંથી રોજ ૨૫ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.