રંગપુરના સરપંચ દ્વારા આચરવામાં આવ્યો આર્થિક ભ્રષ્ટાચાર !

1122

ધંધુકા તાલુકાના રંગપુર ગામે ગ્રામ પંચાયતના સરપંચે ૧૪માં નાણા પંચની ગ્રાન્ટ ગેરકાયદેસર ઉપાડી લેવાના મુદ્દે ગ્રામ પંચાયતના જ સામાજીક ન્યાય સમિતિના ચેરમેન ભરત કોરડિયા દ્વારા ઉપવાસનું શસ્ત્ર ઉગામી તાલુકા પંચાયત ધંધુકા સામે ઉપવાસ પર બેસેલ અંતે ર૧માં દિવસે તાલુકાના જવાબદાર અધિકારી એવા બી.એન. ચારણ-ટીડીઓ, જી.જે. ગોહિલ-વસ્તરણ અધિકારી આઈઆરડી, અર્જુનસિંહ ચુડાસમા-ઉપપ્રમુખ, તાલુકા પંચાયત ભાજપ સંગઠનના આગેવાન કાળુભાઈ ઝાંખડાવાળા સહિતની ઉપસ્થિતિ વચ્ચે આજે સાંજે ચાર વાગ્યાના સુમારે અધિકારીઓના હકારાત્મક વલણે લીંબુ સરબતથી લઈ પારણા કરેલ.

રંગપુર ગ્રામ પંચાયતના સરપંચ સોલંકી કિશોરભાઈ રામજીભાઈ જે હાલના સરપંચ જેઓએ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટ ગેરકાયદેસર ઉપાડી લઈ કથિત ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મુદ્દે ભરત કોરડિયા-સા.ન્યાય સમિતિના ચેરમેને આક્ષેપ સાથે તાલુકા-જિલ્લા લેવલે તપાસ કરવા અને દોષિત સામે શિક્ષાત્મક પગલા ભરવા લેખીત રજૂઆત કરી ન્યાય મેળવવા ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું હતું ત્યારે બીજી વાર ઉપવાસ પર બેઠેલા ભરતભાઈ કોરડિયાને ધંધુકા તાલુકા પંચાયતના જવાબદાર અધિકારી દ્વારા હકારાત્મક જવાબ અપાતા અંતે તેણે આજે પારણા કર્યા હતા. તાલુકા કક્ષાએથી તપાસ કરી જિલ્લાકક્ષાના ડીડીઓને રીપોર્ટ સુપરત કરવામાં આવેલ છે ત્યારે હવે જિલ્લા વિકાસ અધિકારી કેટલા સમયમાં ન્યાય આપે છે તે જોવું રહ્યું.

Previous articleજાફરાબાદના હેમાળ ગામે ગ્રામસભાનો બહિષ્કાર : અધિકારીઓ લીલા તોરણે પરત ફર્યા
Next articleરાજુલાના ખેરાળી ગામે સિંહોએ ૧૦ દિવસમાં ૧૩ પશુઓના મારણ કરતા લોકોમાં ભય