પાંચાલ પ્રદેશની આ વાત છે. અહીં તરણેતરના મેળાનું અનેરૂ મહત્ત્વ છે. વર્ષો પહેલા આવો જ એક તરણેતરનો મેળો યોજાવાનો હતો ત્યારે વાહન વ્યવહાર અને આજે જે ટેકનોલોજીની સગવડો છે તેવી સગવડ ન હતી. સંદેશા માટે માત્ર પોસ્ટકાર્ડ, પરબીડિયું કે આવતા જતા લોકો સાથે સંદેશો કરી માહિતીની આપ-લે કરવામાં આવતી. કોઈ વિકાસ પામેલા ગામડામાં ગણ્યાં ગાંઠયાં ઘરોમાં કોઈ કોઈ જગ્યાએ ટેલિફોન જોવા મળતા. બાકી ઝડપથી કોઈ સંદેશ આપવાનો હોય અને અંતર લાંબું હોય તો સુધરેલા લોકો તાર મોકલીને સંદેશાની આપ-લે કરતા. આ પાંચાલ પ્રદેશમાં એક નાનકડું ગામ હતું. આ ગામમાંથી ઘણા લોકો તરણેતરનો મેળો જોવા આગળ વધી રહ્યા હતા. એવામાં એક દંપતી પોતાના પાંચ વર્ષના બાળક સાથે આ બધા લોકો સાથે જોડાય છે. આ દંપતીને આ એક માત્ર દીકરો હતો. તેને ઉછેરવાના, ભણાવવા ગણાવવાના ઘણા મોટા કોડ હતા. દંપતી પોતાના પુત્ર પર ભારે પ્રેમ વરસાવતા એટલે જ આજે તેઓ આ નાનકડા પુત્ર સાથે તરણેતરના મેળામાં ભાગ લેવા જઈ રહ્યાં હતાં. મેળામાં પહોંચતાં જ ભારે કોલાહલ વચ્ચે ફેરિયાઓ બૂમાબૂમ કરી રહ્યા હતા. પાંચ રૂપિયાના પાંચ પિપૂડા લઈ લો, પાંચ રૂપિયાના પાંચપ પિપૂડાવાળાની આજુબાજુ બાળકોના મોટાં ટોળાં વળ્યાં હતાં. એક પછી એક બાળકને પિપૂડાવાળો પિપૂડા પૈસા વસૂલ કરી વારા ફરતી આપી રહ્યો હતો. લગભગ સાતેક વર્ષની એક દીકરી હાથમાં પિપૂડા લઈ વિલાયેલા મોઢે ઊભેલી. જાણે સમજો હમણાં રડશે કે રડી. ચકરવકર જોતી કશુંક શોધતી હોય તેવી મુદ્રામાં આકુળ-વ્યાકુળ થઈ ગયેલી સુનીતાને પેલા નાનકડા ગામમાંથી લગભગ પાંચેક વર્ષના પોતાના દીકરા સાથે મેળામાં ભાગ લેવા આવેલા પતિ-પત્ની જુએ છે. દીકરીને પોતાની પાસે બોલાવે છે. રડવાનું કારણ પૂછે છે. દીકરીના ગળામાં ડૂમો ભરાઇ ગયેલો હોવાથી તે ઉત્તર આપી શકતી નથી. અવાક બની ગયેલી દીકરીને જોઈ અનસૂયાબહેન પોતાના પતિ વૃજલાલ સાથે દીકરી પાસે પહોંચી જાય છે. દીકરીને પોતાની સોડમાં સમાવી લઈ ધીમેકથી પૂછે છેઃ ‘બેટા, શું થયુ છે? આમ હતાશ, નિરાશ અને રડવા જેવી કેમ થઈ ગઈ છો? હવે થોડું દીકરી બોલવા પ્રયત્ન કરે છે. માપ રાપ.બા…પુ…જીપ દંપતી સાંભળીને સમજી જાય છે કે આ દીકરી તેના બાપુજીથી છૂટી પડી ગઈ લાગે છે. અનસૂયાબહેન દીકરીને સાંત્વના આપે છે. ધીમે ધીમે તેના પિતાનું નામ પૂછે છે. તે શી રીતે તેનાથી છૂટી પડી ગઈ છે તે જાણવાનો પ્રયત્ન કરે છે. દીકરી આ બધું તૂટક તૂટક પરંતુ વિગતવાર જણાવે છે. પિપૂડા ખરીદવા આવેલી આ દીકરી રમકડાં જોવામાં ધક્કે ચઢી જાય છે અને પોતાના પિતાથી છૂટી પડી જાય છે. મહાપ્રયત્ન પછી પણ દીકરીને તેના પિતા દેખાતા નથી. પેલી બાજુ દીકરીના પિતાની સ્થિતિ પણ આવી જ થાય છે. આખરે પિતા હારીને દીકરી નહીં જ મળે તેમ સમજી દીકરી મળી જાય તે માટે ઈશ્વરને રિઝવવા મંદિરનો આશરો લે છે. આ બાજુ અનસૂયાબહેન અને વૃજલાલ પોતાના દીકરા સાથે આ મળી આવેલી દીકરીને લઈને મેળામાંથી પોતાને ગામ જવા નીકળવાની તૈયારી કરે છે. અનસૂયાબહેન દીકરીને કહે છેઃ ‘તું બેટા, ચિંતા કરીશ નહીં.’ આજથી અમે જ તારા માતા-પિતા છીએ અને આ પરેશ તારો નાનો ભાઈ છે. તે તારી સાથે રમશે અને તું એની સાથે રમીશ. બોલ તને ગમશે ને? અમે તારો ઉછેર કરીશું. તને અમારા ગામમાં સાથે લઈ જઈ ભણાવીશું અને મોટી સાહેબ બનાવીશું. તું અમારી સાથે રહીશ ને બેટા?’ દીકરી સુનીતા હકારમાં ડોકું હલાવી દંપતી સાથે ચાલવા લાગે છે. પરેશ અને સુનીતા એકબીજાની આંગળી પકડી અનસૂયાબહેન અને વૃજલાલની પાછળ પાછળ ગામના રસ્તે ચાલવા લાગે છે. અનસૂયાબહેન મલકાતા મલકાતા બોલે છેઃ ‘મને તો સુનીતા બહુ વહાલી લાગે છે. તેની સાથે પૂર્વ જન્મનું મારે ચોક્કસ લેણું હશે. ભગવાને મને ફૂલ જેવી ઉછરેલી દીકરી આપીને મારા પર ઉપકાર કર્યો છે.’ વૃજલાલ પણ હકારમાં ડોકું હલાવતા તેની સાથે રસ્તો કાપતા રહે છે. મીઠો સંવાદ જાણે રેડિયો પર વાગતા સુમધુર સંગીત જેવો લાગે છે. સુનીતાના મગજમાં વિચારના વંટોળો ચાલે છે. હવે મારું શું થશે? શું મારા પિતા હવે પછી મને ક્યારેય મળી નહિ શકે? મારે તેમના વિના જીવન જીવવું પડશે? અનસૂયા આન્ટી અને વૃજલાલ અંકલ ખરેખર મારો ઉછેર પોતાના બાળક જેમ કરશે ખરા? પરેશ મોટો થયા પછી તેના ઘરમાં મને પોતાની બહેન જેમ સ્થાન આપી શકશે? આ બધા જ પ્રશ્નો સુનીતાના મગજ પર કબજો જમાવીને બેઠા હતા. થોડી જ વારમાં ગામની ભાગોળે વિલાયતી નળિયાવાળું, મોટા વરંડામાં શોભતું મકાન દેખાય છે. લાકડાનો નકશીકામ કરેલો ડેલો ઉઘાડતા વૃજલાલ બોલી ઊઠે છેઃ સુનીતા આ આપણું ઘર છે. આવ અંદર આવ. વરંડો ખૂબ મોટો છે. તને તેમા પરેશ સાથે રમવાનું ગમશે.’ દિવસ પછી દિવસ વિતવા લાગે છે. વૃજલાલ પોતે ઢોર ડૉક્ટર હતા. પશુઓ બીમાર પડે એટલે વૃજલાલને અડધી રાત્રે પણ પશુપાલકોના ઘરે જવું પડતું. આવા જ કારણોસર ગામના કોઈ પશુપાલક રાત્રિના સાડા બાર કલાકે આવીને વૃજલાલનો ડેલો ખખડાવે છે અને બોલે છેઃ ‘સાહેબ, મારી ભેંશ ભારે બીમાર છે. કશું જ ખાતી નથી કે પાણી પણ પીતી નથી. આપ જલદી આવો, નહીં તો મારી ભેંશ મરી જશે.’ સાંભળતા જ વૃજલાલ પોતાની દવાની પેટી લઈને દોડતા બહાર આવે છે. પશુપાલકની પાછળ પાછળ ચાલવા લાગે છે. પશુપાલક ઘર આવતા જ ડેલો ઉઘાડી બોલે છેઃ ‘ડૉક્ટર સાહેબ, જુઓ સામેના વાડામાં ગમાણમાં બાંધેલી ભેંશ બીમાર છે. જુઓ તે ઊભી પણ નથી થતી.’ ડૉક્ટરસાહેબ તેની પાસે જઈ ભેંશને તપાસે છે. એકાદ ઇન્જેક્શન પણ મારે છે. થોડી દવાઓ આપે છે. પછી બોલ છેઃ ‘થોડું સૂકું ઘાસ આપો. એકાદ-બે દિવસમાં બધું ઠીક થઈ જશે. થોડો અપચો છે. ચિંતા કરવા જેવું નથી. આફરો પણ ચડ્યો છે. તે દવાના કારણે બેસી જશે.’ ડૉક્ટર પાછળ ફરીને ચાલવા જાય છે ત્યાં જ તેના પગમાં સાપ આવી જાય છે. દબાયેલો સાપ ડૉક્ટરને ડંખ મારે છે. કિંગ કોબ્રા નામના સાપે ડૉક્ટરને ડંખ દીધો હોવાથી તેને જો તાબડતોબ સારવાર ન મળે તો તે કેસ બચાવવો અઘરો થઈ પડે તેમ હતો. ગામ અંતરિયાળ વિસ્તારમાં હોવાથી વાહન વગેરેની સગવડ થાય તેમા સમય ઠીક ઠીક નીકળી જાય. મહામહેનતે બળદગાડું માંડ મળે છે. તેમા ડૉક્ટરને સુવાડી સુરેન્દ્રનગરની હૉસ્પિટલમાં લઈ જવા ગાડું ચલાવવામાં આવે છે. પરંતુ આ બાજુ ડૉક્ટરના શરીરમાં ખૂબ ઝડપથી ઝેર પ્રસરવા લાગે છે. થોડીવારમાં જ ડૉક્ટર બેભાન થઈ જાય. છે મોઢામાં ફીણ આવવા લાગે છે. હજુ તો માંડ અડધો રસ્તો કાપ્યો હશે ત્યાં જ ડૉક્ટરનું પ્રાણપંખેરુ ઊડી જાય છે. આ બધી માહિતી અનસૂયાબહેનને મળે છે. તે ભારે દુઃખી થઈ જાય છે. અનસૂયાબહેનનું ઘર આજે રોકકળથી હલબલી ઊઠે છે. ગામમાં દુઃખનું મોજું ફરી વળે છે. સુનીતા અને પરેશ ચોધાર આંસુએ રડી રહ્યાં છે. જ્યારે અનસૂયાબહેન જાણે લાકડું પડ્યું હોય તેમ સૂનમૂન અચેતનની જેમ પડ્યાં છે. કોણ કોને સાંત્વના આપે? જ્યારે દુઃખ આવે ત્યારે ચારેકોરથી આવે, તેમ આજે અનસૂયાબહેન માટે પણ બન્યું હતું. ખૂબ આનંદ અને સુખમાં રહેતો પરિવાર એકાએક દુઃખમાં સપડાઈ જાય છે.
નદીના વહેતા પ્રવાહની જેમ સમય ફરી વખત વહેવા લાગે છે. અનસૂયાબહેન આઘાતમાંથી કેમેય કર્યા બહાર નીકળી શકતાં નથી. તેનું હૃદય નબળું પડી જાય છે. એક દિવસ તેને હૃદયરોગનો હુમલો આવે છે. છાતીમાં મૂંઝારો અને અસહ્ય દુખાવો સહન કરતા અનસૂયાબહેન દીકરી સુનીતાને કહે છે : ’બેટા, તારે હવે પરેશને સંભાળવાનો છે. સગી માતાનો રોલ તારે ભજવવો પડશે. હું થોડા સમયમાં જ ગામતરું કરવાની છું. તું મને વચન આપ કે તું પરેશની સંભાળ માટે લગ્ન નહીં કરે. તારે તેની આજીવન સંભાળ રાખવાની છે. તેના લગ્ન પણ તારે તેની મોટી બહેન બની એક માતાની જેમ કરી આપવાના છે. સુનીતા હકારમાં ડોકું હલાવે છે. સુનીતાનો ઉત્તર મળતા જ અનસૂયાબહેન પોતાનો અંતિમ શ્વાસ લઇ કાયમ માટે ગામતરે નીકળી જાય છે. હવે સઘળી જવાબદારી સુનીતાના શિરે આવે છે. સુનીતા પોતાના ધર્મના નાનાભાઈનો ઉછેર ખૂબ લાડકોડથી કરતી રહે છે, તેને ભણાવે છે. મેડિકલ કૉલેજમાં પણ એડમિશન અપાવી ઉચ્ચ શિક્ષણ અપાવે છે અને એ રીતે પરેશ પણ ડૉક્ટર બનીને બહાર આવે છે. પરેશની સાથે જ અભ્યાસ કરતી અને ડૉક્ટર બનેલી એક યુવતી સાથે સુનીતા પરેશના લગ્ન કરાવી આપે છે. બંનેનો સંસાર ચાલવા લાગે છે. પરંતુ સુનીતા પ્રત્યેની પરેશની લાગણી અને લગાવની ઇર્ષ્યા પેલી ડૉક્ટર યુવતીને કોરી ખાવા લાગે છે. તે વાતે વાતે સુનીતા સાથે ઝઘડા કરવા લાગે છે. પરેશની સુનીતા પ્રત્યેની અનહદ લાગણીથી કંટાળેલી ડૉક્ટર યુવતી પરેશ પર હવે સુનીતાના આડા સંબંધ હોવાના આક્ષેપો કરવા લાગે છે. સુનીતાના કાને તે વાત પડતા સુનીતા દુઃખી થઈ જાય છે. સગાભાઇથી પણ વિશેષ સમજી પ્રેમથી નાનાભાઈ તરીકે જેનો ઉછેર કર્યો હતો તેની જ સાથે આડાસંબંધના આક્ષેપો સુનીતા સહન કરી શકતી નથી. બાળપણમાં પિપૂડાની ખરીદી કરતી વેળાએ પિતાથી છૂટી પડેલી સુનીતા આજે ફરી વખત એવી જ સ્થિતિમાં મુકાઈ ગઈ. જેને પોતાના પ્રાણથી પણ વધુ પ્રીત કરી સગા ભાઈની જેમ ઉછેરી, ભણાવી-ગણાવી, ડૉક્ટર બનાવી એક ડૉક્ટર યુવતી સાથે લગ્ન કરાવી આપનાર આ સ્ત્રી સાથે પોતાના અંગત સ્વાર્થ ખાતર આ પ્રકારના આક્ષેપો મૂકી, પરિવારથી વિમુખ કરવા સુનીતા સાથે જે વ્યવહાર થયો તે જ સમાજની સ્વાર્થવૃત્તિ બતાવે છે. જે દંપતીએ પારકી દીકરીને પોતીકી સમજી ઉછેર કરી ખરી સંવેદના બતાવી હતી, તે જ દંપતીનો પરિવાર આજે સુનીતા પર આક્ષેપો કરી સલામત જીવન જીવવા પ્રયત્ન કરતી ડૉક્ટર યુવતીના કારણે વામણો પુરવાર થઇ રહ્યો હતો. તેમ છતાં સુનીતા પોતાના ધર્મના નાનાભાઈ માટે ઘર છોડી પોતાનું જીવન ઈશ્વરના આધારે મૂકી ચાલી નીકળે છે. સંવેદનહીનતાના કારણે આવી અનેક યુવતીઓ મંજિલ વિનાની મુસાફરી કરી રહી છે. ત્યારે જાગેલી સંવેદનાનું બીજ મૂરજાય નહીં એવી સમાજે કાળજી લેવી જોઈએ.