અરવલ્લી : રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઘર્ષણ, પોલીસ પર પથ્થરમારો

1013

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણી દરમિયાન ભૂતિયા વિસ્તારમાં મતદારોમાં ઘર્ષણ જોવા મળ્યું છે. ઉશ્કેરાયેલા મતદારોના ટોળાએ મામલતદાર અને પોલીસની સરકારી ગાડી પર પથ્થરમારો કર્યો હતો. સમગ્ર અરવલ્લી જિલ્લાની પોલીસે ઘટના સ્થળે જઈ મામલો કાબુમાં લીધો હતો. આ મામલામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેઘરજ તાલુકાના રામગઢી ગ્રામપંચાયતમાં આજે સરપંચ અને સભ્યોની ચૂંટણી માટે મતદાન શરૂ થયું હતું જેમાં બે બુથ ભૂતિયા વિસ્તારની કુંડી પ્રાથમિક શાળામાં હતા. જ્યાં કુલ ૧૧૦૦ જેટલા મતદારો હતા એક મતદારને સરપંચ અને સભ્યો માટે મત આપવાના થતા હોઇ મતદાનનો સમય પૂર્ણ થવા સુધીમાં કેટલાક મતદારો મતદાનથી વંચિત રહ્યા હતા મતદાનનો સમય પૂર્ણ થતાં પહેલાં મતદાન મથકની હદમાં આવેલ કુલ ૧૮૧ મતદારોને ટોકન આપી મતદાન પ્રક્રિયા ચાલુ રાખી હતી.

મતદાનથી વંચિત બહાર રહેલા કેટલાક મતદારો અને બીજા તત્વોએ બહાર ચૂટણી બૂથ પર જ હોબાળો મચાવ્યો હતો અને તોફાની ટોળાએ મેઘરજ મામલતદાર અને પોલીસની સરકારી ગાડી પર છુટા પથ્થરો માર્યા હતા, જેથી કેટલાક પોલીસ કર્મચારીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી તેમજ ટોળામાં રહેલા કેટલાક ઈસમોને પણ ઇજાઓ થઈ હતી. જેથી સમગ્ર બાબતે મેઘરજ મામલતદારે પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં અરવલ્લી જિલ્લા એલસીબી, એસઓજી ડીવાયએસપી તેમજ જિલ્લાના મોટાભાગના પીએસઆઇ સહિતની પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ સુરક્ષિત રીતે મામલતદાર કચેરીએ પહોંચાડી કોમ્બિંગ હાથ ધર્યું હતું અને ૩૫ અને ૫૦૦ના ટોળા સહિત કુલ ૫૩૫ સામે ફરિયાદ નોંધી ૩૫ લોકોની અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleપલ્લી મેળામાં એસટીને ૯૦ હજારની આવક થઈ
Next articleકડી વિશ્વવિદ્યાલયમાં સર્વ નેતૃત્વનાં પૂર્વ તાલીમાર્થીઓનો કાર્યક્રમ યોજાયો