અમૃતસરમાં દશેરાના દિવસે રાવણદહનના કાર્યક્રમ દરમિયાન ટ્રેનની અડફેટે આવીને ૬૧ લોકોના જીવ ગુમાવવાના મામલે નવજૌત કૌર સિદ્ધૂ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમૃતસર ખાતેના દશેરાના કાર્યક્રમમાં નવજૌત કૌર મુખ્ય મહેમાન હતા. તેમની સામે દુર્ઘટના મામલે બિહારની એક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.બિહારના મુઝફ્ફરપુરની કોર્ટમાં નવજૌત કૌર સિદ્ધૂ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેમની વિરુદ્ધ મામલો ચલાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની અદાલતમાં એક સામાજિક કાર્યકર્તા તમન્ના હાશમી દ્વારા આના સંદર્ભે અરજી કરવામાં આવી છે. તેમણે ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે નવજૌત કૌરની હાજરીને કારણે કાર્યક્રમમાં ઘણાં લોકો એકઠા થયા હતા.કાર્યક્રમના સ્થાન પર સુરક્ષાદળો ભીડને ટ્રેક પરથી હટાવવાના સ્થાને નવજૌત કૌરની સુરક્ષામાં લાગેલા હતા. તમન્ના હાશ્મીએ નવજૌત કૌર પર બેજવાબદારી ભર્યા કૃત્ય કરવા અને ફરજોનું નિર્વહન નહીં કરવાનો આરોપ લગાવતા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. અદાલતે આની સુનાવણી માટે ત્રીજી નવેમ્બરની તારીખ નિર્ધારીત કરી છે.