#MeToo ઝુંબેશ હેઠળ વિદ્યાર્થિનીઓના લૈંગિક શોષણના આરોપ બાદ સિમ્બાયોસિસ યુનિર્વિસટીએ બે પ્રોફેસરોને સસ્પેન્ડ કર્યા છે. વિમાનનગર ખાતે સિમ્બાયોસિસ સેન્ટર ફોર મીડિયા એન્ડ કોમ્યુનિકેશન (SCMC)માં વિજય શેલાર અને સુહાસ ગટણે નામના બે પ્રોફેસરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંતરિક ફરિયાદ સમિતિના અહેવાલ પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આખા દેશમાં #MeToo ઝુંબેશે જોર પકડતાં SCMCની માજી વિદ્યાર્થિનીઓએ સોશિયલ મીડિયા દ્વારા પોતાની સાથે થયેલા ગેરવ્યવહાર પર પ્રકાશ પાડયો હતો. એમાં પ્રોફેસરો સાથે કેટલાક વિદ્યાર્થીઓ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. સિમ્બાયોસિસ મેનેજમેન્ટે આ બાબત ધ્યાનમાં લઈ આંતરિક ફરિયાદ સમિતિ મારફત આ પ્રકરણે તપાસ શરૂ કરી છે. SCMCના સંચાલક અનુપમ સિદ્ધાર્થને રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. એ અરસમાં સંસ્થાની ૧૦૦થી વધારે વિદ્યાર્થિનીઓએ અનુપમ સિદ્ધાર્થની ગેરવર્તણૂક બાબતે લેખિતમાં ફરિયાદ આપી હતી તેમ જ સિદ્ધાર્થને આ પદ ઉપરથી દૂર કરવાની માગણી કરી હતી. એ પ્રમાણે સિદ્ધાર્થને જબરજસ્તી રજા પર ઉતારી દેવામાં આવ્યા છે અને શેલાર તથા ગટણેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આંતરિક ફરિયાદ સમિતિના વચગાળાના અહેવાલ પછી બે પ્રાધ્યાધ્યાપકોની સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.