સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઇને રાતોરાત રસ્તા પાકા કરાયા

692

આગામી તા.૩૧મી ઓક્ટોબરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડીયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દેશને સમર્પિત કરવાના છે ત્યારે તેમના આગમનને લઈ નર્મદા જિલ્લાના કેવડિયા સહિતના વિસ્તારોના રોડ-રસ્તાઓ પર સાફ સફાઈ તેમજ પાકા રોડ બનાવવા માટેના કાર્યો પુરજોશથી ચાલી રહ્યાં છે. વડાપ્રધાન મોદી આવવાના હોઇ આ વિસ્તારમાં રાતોરાત રોડ-રસ્તા પાકા અને ચકચકાટ બનાવી દેવાયા છે એટલું જ નહી, બરોડાથી કેવડીયા સુધી રોડ બનાવવા માટે આધુનિક મશીનરી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફોર લેન રોડ વચ્ચે વૃક્ષ અને પાલન્ટ ઉગાડી દેવામાં આવતા રાતોરાત વિકાસ બતાવવાનો પ્રયાસ સત્તાતંત્ર દ્વારા થઇ રહ્યો છે ત્યારે બીજીબાજુ, આદિવાસીઓમાં જોરદાર વિરોધનો વંટોળ ફુંકાયેલો જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આગામી તા.૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું લોકાર્પણ માટે વડાપ્રધાન રીમોટ કંટ્રોલથી સભામંડપનો પડદો ઉંચો કરશે અને તેમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકદર્શન ખુલ્લા મૂકાશે. ૧૮૨ મીટરની પ્રતિમાને આખી ઢાંકવી શકય ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ૮ થી ૧૦ હજાર લોકો બેસી શકે તેવો ૬,૦૦૦ સ્કેવરફીટમાં ડોમ બનાવવામાં આવી રહ્યો છે. વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને તા.૩૧મીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સર્મપિત કરશે.

પહેલાં બે લાખની જનમેદની ભેગી કરવાનું આયોજન હતું પરંતુ વિશાળ જગ્યાના અભાવ સહિતના કેટલાક મુદ્દાઓને લઇ સમગ્ર કાર્યક્રમને સિમિત કરી દેવાયો છે. હવે માત્ર ૮ થી ૧૦ હજાર માણસોની હાજરીમાં લોકાર્પણ સમારંભ યોજાશે. લીમડી બરફળિયા ખાતેના હેલી પેડ ખાતે હાલ ૪૦ બાય ૫૫ અને ૬૦ બાય ૯૦ ના બે ડોમ (મંડપ) બનવવામાં આવી રહ્યાં છે. આમ કુલ ૩૦૦ બાય ૨૦૦ એટલે કે ૬૦૦૦ સ્કેવરફીટનો મંડપ બનશે. ડોમમાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઇ શકાશે નહીં પરંતુ તેના લોકાર્પણ વિશ્વની આ સૌથી ઉંચી પ્રતિમાને નજીકથી નિહાળવી એક લ્હાવો બની રહેશે.

Previous articleરાજવીઓનાં શિલાલેખ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં રાખવામાં આવે, શંકરસિંહનો વડાપ્રધાનને પત્ર
Next articleઘરમાં દારૂનું સેવન કરવું તે કોઇ ગુનો ગણી શકાય નહીં : હાઇકોર્ટ