સીબીઆઇમાં આજે ઝડપથી ઘટનાક્રમનો દોર જારી રહ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા પગલારુપે રજા પર મોકલી દેવામાં આવેલા આલોક વર્મા કેન્દ્ર સરકારના નિર્ણયની સામે નારાજગી વ્યક્ત કરીને તરત જ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા આલોક વર્માની અરજીને સ્વીકારી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અરજીને સ્વીકારી લીધા બાદ હવે આ મામલામાં શુક્રવારના દિવસે સુનાવણી કરવામાં આવશે. સીબીઆઈના બે ટોચના અધિકારીઓ વચ્ચે ચાલી રહેલી લડાઈ વધુ ઘેરી બનતા પ્રતિષ્ઠિત સંસ્થાની અંદર જંગ હવે ખુલ્લીરીતે મેદાનમાં છે. મોદી સરકારે ડેમેજ કન્ટ્રોલના ભાગરુપે આલોક વર્મા અને અસ્થાનાને રજા ઉપર મોકલી દીધા બાદ ઘટનાક્રમ વધુ ઝડપથી બદલાયો હતો.
બીજી બાજુ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ પણ સમગ્ર મામલાને સુપ્રીમ કોર્ટમાં લઇને જઇ શકે છે. ભૂષણે રાકેશ અસ્થાનાને સીબીઆઈના સ્પેશિયલ ડિરેક્ટર બનાવવાને લઇને વાંધો ઉઠાવ્યો હતો પરંતુ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. હવે નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર બનાવવાને લઇને પણ વાંધો ઉઠાવ્યો છે. એજન્સીના ત્રણ એડિશનલ ડિરેક્ટરોમાંથી કોઇ એકના બદલે જોઇન્ટ ડિરેક્ટર રાવને વચગાળાના નિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે રાવની નિમણૂંક સામે વાંધો ઉઠાવ્યો છે અને આ મામલાને લઇને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી કરી છે. બીજી બાજુ આજે સવારે વર્મા અને અસ્થાનાની ઓફિસને સીલ કરી દેવામાં આવી હતી. બપોર સુધી કોઇપણ પ્રકારની કોઇ ફાઇલ લેવામાં આવી ન હતી. આલોક વર્માની ઓફિસમાં પણ તપાસ થઇ રહી છે. તેમની અવધિ આ વર્ષે ડિસેમ્બરમાં પૂર્ણ થઇ રહી છે. અગાઉ સીબીઆઇની અંદર નંબર-૧ અને નંબર-૨ની લડાઇની વચ્ચે કેન્દ્ર સરકારે અતિ કઠોર વલણ અપનાવીને આખરે રાતોરાત જ તપાસ ટીમ બદલી નાંખી હતી. મંગળવારે રાત્રીને લઇને આજે સવાર સુધી એવો ઘટનાક્રમનો દોર ચાલ્યો હતો જેવો દોર દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઇના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ચાલ્યો નથી. હજુ સુધી આ મામલામાં સમાધાનના પ્રયાસમાં લાગેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે સીવીસીની ભલામણ મળતાની સાથે જ ખુબ જ કઠોર વલણ અપનાવીને સીબીઆઇના વડા આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના બંનેને રજા પર મોકલી દીધા હતા.