અયોધ્યામાં રામમંદિર બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ દરમિયાન અયોધ્યામાં વિવાદિત સ્થળે મસ્જિદ નિર્માણની વાત કરીને ભાજપના એમએલસી બુક્કલ નવાબે નવો વિવાદ પેદા કરી દીધો છે. પાટનગર લખનૌમાં અલ્પસંખ્યક મોરચાના એક કાર્યક્રમ દરમિયાન બુક્કલ નવાબે આ વિવાદન નિવેદન કરતાં કાર્યક્રમમાં હંગામો પેદા થઈ ગયો હતો. જેના કારણે નારાજ કાર્યકર્તાઓએ ભાજપના એમએલસી તરત મંચ પર હટાવી દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આખા હંગામા દરમિયાન કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવી પણ ઘટનાસ્થળે હાજર હતા. આ કાર્યક્રમમાં નકવીએ મોદી સરકારની યોજનાના વખાણ કર્યા હતા.
આ તરફ, બુક્કલ નવાબે હવે આ મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, મારી વાત લોકો સમજી શક્યા નહીં અને કારણ વગર મુદ્દો બનાવી દીધો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર આ કાર્યક્રમમાં મંચ પરથી નવાબે અયોધ્યામાં વિવાદિત સ્થળની વાત શરુ કરી અને અચાનક ત્યાં મસ્જિદ બનાવવાની તરફેણ કરવા માંડ્યા. આને કારણે ભાજપના કાર્યકરોએ બુક્કલ નવાબ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.