વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જગનમોહન પર હુમલો થયો

618

વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ જગનમોહન રેડ્ડી ઉપર વિશાખાપટ્ટનમ વિમાની મથકે હુમલો કરવામાં આવ્યો છે. વિમાની મથકે એક યુવકે નાનકડા તીક્ષ્ણ હથિયારથી રેડ્ડી ઉપર હુમલો કરી દીધો હતો. તેમના હાથમાં નજીવી ઇજા થઇ હતી. તેમને તરત જ ત્યાંથી લઇ જવામાં આવ્યા હતા. જ્યારે આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જગનમોહનની હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર થઇ રહી છે.

જગનમોહન આંધ્રપ્રદેશમાં વિપક્ષના નેતા તરીકે છે. ગુરુવારના દિવસે વિશાખાપટ્ટનમ વિમાની મથકે એક યુવકે તીક્ષ્ણ હથિયારથી તેમના ઉપર હુમલો કરી દીધો હતો. જો કે, આ યુવક કોણ છે તેને લઇને પોલીસ દ્વારા હજુ સુધી કોઇ માહિતી આપવામાં આવી હતી. એરપોર્ટ અધિકારીઓના કહેવા મુજબ જગનમોહન રેડ્ડી જેમ જ એરપોર્ટ લોજથી બહાર નિકળ્યા ત્યારે યુવકે હુમલો કરી દીધો હતો જેથી તેમના હાથમાં ઇજા થઇ હતી. જો કે, જગનમોહન રેડ્ડીને વધારે ઇજા થઇ ન હતી. ઝડપાયેલા યુવકની પુછપરછ કરવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમથી પરત ફર્યા બાદ જગનમોહન રેડ્ડીને હૈદરાબાદની ઓમેગા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. હુમલા અંગે પ્રતિક્રિયા આપતા જગનમોહને કહ્યું હતું કે, જે લોકો પણ તેમની સલામતીને લઇને ચિંતિત છે તે લોકોને કહેવા માંગે છે કે તેઓ સુરક્ષિત છે. ભગવાનની કૃપા અને આંધ્રના લોકોના આશીર્વાદથી તેઓ બચી ગયા છે. કાયરતાપૂર્વકના કૃત્ય તેમના ઇરાદાને નબળા કરવાના બદલે વધુ મજબૂત કરશે. વાયએસઆર ધારાસભ્ય સુબ્બારેડ્ડીએ ટીડીપી ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, આ હુમલો ટીપીડી દ્વારા કરાવવામાં આવ્યો છે. પાર્ટી પોતાના સ્તર પર આની ચકાસણી કરાવશે. બીજી બાજુ યુવકની પુછપરછ ચાલી રહી છે. હજુ સુધી કોઇ વિગત સપાટી પર આવી નથી.

Previous articleદરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી
Next articleઅંશુ પ્રકાશ કેસ : કેજરીવાલ સહિતના આરોપીઓને બેલ