ભાવનગરના કવિ વિનોદ જોશીને જુનાગઢ ખાતે મોરારિબાપુના હસ્તે નરસિંહ એવોર્ડ અર્પણ થયો

828

‘ચાંદો નિચોવીને અમે વાટકા ભર્યા અને મોગરાની કળીએ હલાવ્યા’, મોગરાના સુગંધી પુષ્પ જેવી આ રચનાના સર્જક, ગીતકવિ વિનોદ જોશીને પૂ.મોરારિબાપુના વરદ હસ્તે શરદ પૂનમની સંધ્યાએ ગિરનારની ગીરી તળેટીમાં આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ ગત તા.ર૪ને બુધવારે (વાલ્મીકી જયંતિ) રૂપાયતન સંસ્થામાં જુનાગઢ ખાતે એનાયત થયો હતો.

સને ૧૯૯૯થી પ્રતિ વર્ષ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના વિદ્યમાન કવિને ગુજરાતી કવિ ક્ષેત્રે પ્રતિષ્ઠિત ગણાતો આ એવોર્ડથી વંદના કરવામાં આવે છે. ર૦૧૮ના વર્ષનું આ સન્માન ગુજરાતી ભાષાના ભાવનગર સ્થિત કવિ વિનોદ જોશીને અર્પણ કરવાનો સમારોહ પૂ.મોરારીબાપુ અને ગુજરાતી ભાષાના વિદ્વાન સાહિત્યકારો-કવિઓ-સંપાદકોની હાજરીમાં સંપન્ન થયો.

કાર્યક્રમનો પ્રારંભ નુપુર બુચની સરસ્વતી નૃત્યવંદનાથી થયો. ગાયિકા ગાર્ગી વોરાએ પ્રેમરસ પાને તું…ના નરસિંહ પદની ભાવુક પ્રસ્તુતી કરી. રૂપાયતન સંસ્થાના વડા હેમંત નાણાવટીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. નિધિના પ્રમુખ રઘુવીર ચૌધરીએ એવોર્ડની ગરીમા, ચયન પ્રક્રિયા તથા જેને જેને આ સન્માન પ્રાપ્ત થાય છે. તેની ચૂંટેલી રચનાઓના સંપૂટના પ્રકાશનની વિગતો આપી હતી. આ વેળાએ કવિઓ મણીલાલ હ. પટેલ તથા યોગેશ પંડ્યાએ વિનોદ જોશીની સર્જન યાત્રાનો ભાવવાહી પરિચય કરાવી તેની વિશેષતાઓનું બખુબી વર્ણન કર્યુ હતું. વિનોદ જોશી કૃત સેરૈન્ધ્રિ પદ્યવાર્તાનું અહીં લોકાર્પણ પણ થયું હતું.

આ વેળાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પૂ.મોરારીબાપુએ કહ્યું કે, સર્જક મનનો સ્વામી હોય, સર્જન એક સાધના છે તેથી તે તપસ્વી હોય તે આવકાર્ય છે. હું. આ કવિ વંદનાના ઉપક્રમમાં માત્ર શ્રોતા જ છું તેની તમામ વ્યવસ્થા, પ્રક્રિયાનો આપ સૌએ પરિચય કર્યો છે. કવિતાનો હું જાણતલ નથી. માત્ર માણતલ છું. શ્લોક અને લોકના સંયોગ વધુ સારી રીતે પ્રયોજવો જોઈએ. સન્માનિત કવિ વિનોદ જોશીની સર્જન યાત્રા વિકસતા રહેવાની શુભ કામના બાપુએ વ્યક્ત કરી હતી.

સંચાલન અમરેલીના કવિ પ્રણવ પંડ્યાએ સંભાળ્યું હતું. સંકલન-આયોજનમાં કવિ/ગાયક હરિશ્ચંદ્ર જોશી અને નિધિના ટ્રસ્ટીઓ તેમજ રૂપાયતન પરિવાર રહ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિકો હાજર રહ્યાં હતા.

Previous article‘બાળ સુરક્ષા જવાબદારી આપણા સૌની’  વિષય પર જિલ્લા બાળ સુરક્ષા, બોટાદ દ્વારા તાલીમ યોજાઈ
Next articleનવદુર્ગા તથા બહુચરાજીનો સ્વાગ