યૂપીના બદાયૂના રાસુરપુર ગામમાં શુક્રવારે ફટાકડા બનાવતી ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ થયો છે, જેમાં 7 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તંત્ર દ્વારા તૂરંત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફટાકડાની ફેક્ટરીમાં જબરદસ્ત વિસ્ફોટ થવાથી પૂરી ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. મળતી જાણકારી અનુસાર, એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દટાયો છે. ઘટના સ્થળ પર ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ફાયરની ટીમ પહોંચી ગઈ છે. ઘાયલ લોકોને જીલ્લા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.
આ દુર્ઘટના સિવિલ લાઈન વિસ્તારના રાસુરપુર ગામની છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મકાનની અંદર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ સમયે અચાનક જબરદસ્ત વિસ્ફોટ થયો. વિસ્ફોટ બાદ ચારેબાજુ ચીસો અને બુમોના અવાજથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે, સાત લોકોના તો ઘટના સ્થળ પર જ મોત થયા છે. જ્યારે 4 લોકોની હાલત ગંભીર જણાવાવમાં આવી રહી છે.
ઘટના સ્થળ પર જીલ્લા પ્રશાસનના અધિકારીઓ બચાવ કામગીરી અને તપાસમાં લાગી ગયા છે. આ ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે ડીએમ બદાયૂને ઘટના સ્થળ પર જઈ રાહત બચાવ કાર્ય કરવાનો આદેશ આપ્યો હતો. હાલમાં ઘટના સ્થળ પર મોટી માત્રાામં પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે.