૨૦૧૯ બાદ શોધી શોધીને ઘુસણખોરોને બહાર કરાશે

968

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હૈદરાબાદમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા રણશિંગુ ફુંકી દીધું છે. હૈદરાબાદમાં યુવા મહાઅધિવેશન વિજય લક્ષ્ય ૨૦૧૯ને સંબોધન કરતા કહ્યું હતુંકે, ફરી એકવાર નરેન્દ્ર મોદીની સરકાર બનશે તો કાશ્મીરથી કન્યા કુમારી સુધી ઘુસણખોરોને શોધી શોધીને બહાર કરવામાં આવશે. હૈદરાબાદમાં શાહે રાષ્ટ્રીય મુદ્દા ઉપર આક્રમક નિવેદન કર્યું હતું. તમામ રાજ્યોમાં કોંગ્રેસની હાર અને ભાજપના વધતા જતા નેટવર્કની ચર્ચા કરતા તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધીના નિવેદનોની પોલ ખુલી રહી છે. આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટ્રરના સંદર્ભમાં વાત કરતા તેમે કહ્યું હતું કે, ભાજપ દ્વારા એનઆરસી લઇને આવ્યા બાદ ૪૦ લાખ લોકોને ઘુસણખોરો તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા.

આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે જેથી આના ઉપર કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. હૈદરાબાદમાં પ્રભાવશાળી નેતા ઓવૈસી ઉપર પ્રહાર કરતા અમિત શાહે આક્ષેપ કર્યો હતો કે, તેમના ભયથી કેસીઆર સરકારે હૈદરાબાદ લિબ્રેશન ડે મનાવવાનું બંધ કરી દીધું છે. હૈદરાબાદ એ સ્થળ છે જ્યાંથી સરદાર પટેલે શંખનાદ ફૂંક્યો હતો. ભારતને એક કરવાની પહેલ અહીંથી થઇ હતી જેના લીધે નિઝામને ભયભીત થઇને ભાગી જવાની ફરજ પડી હતી. આ પ્રસંગે વિપક્ષ અને કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા અમિત શાહે કહ્યં હતું કે, રાહુલ ગાંધી દ્વારા અમારી પાસેથી સાડા ચાર વર્ષનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે પરંતુ અમે સાડા ચાર વર્ષનો હિસાબ આપને આપવા માટે તૈયાર નથી. કારણ કે, હિસાબ માંગવાનો અધિકાર માત્ર પ્રજા પાસે છે. કોંગ્રેસ પાર્ટીએ ચાર પેઢી સુધી શાસન કરીને પણ ગરીબોને કોઇ મોટી રાહતો આપી નથી. થોડાક દિવસ પહેલા જ લોંચ કરવામાં આવેલી આયુષ્યમાન ભારત યોજનાથી ૫૦ કરોડથી વધુ લોકોને સીધીરીતે ફાયદો થનાર છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું હતું કે, રાહુલ પોતાની પાર્ટીને દુરબીન લઇને શોધે તેવી સ્થિતિ ઉભી થઇ ગઈ છે. ૨૦૧૯માં પણ મોદીના નેતૃત્વમાં ચૂંટણી લડવા માટે ભાજપ સંપૂર્ણપણે તૈયાર છે. મહાગઠબંધન ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, એકબાજુ મોદી મેક ઇન ઇન્ડિયા બનાવવામાં વ્યસ્ત છે ત્યારે મહાગઠબંધન બ્રેકિંગ ઇન્ડિયામાં વ્યસ્ત છે. મહાગઠબંધનના કોઇ નેતા પાસે કોઇ નીતિ અથવા તો આદર્શો દેખાતા નથી. હૈદરાબાદમાં કેસીઆર સરકાર ઉપર અમિત શાહે તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઘુસણખોરોને દેશમાંથી ખદેડી મુકવાનો સમય આવી ગયો છે. એક પછી એક સભ્યોને દેશમાંથી ઘુસણખોર તરીકે ઓળખી કાઢીને બહાર કરાશે.

Previous articleમુંબઈ-અમદાવાદ વચ્ચે જે દિવસે બુલેટ ટ્રેન દોડશે તે યાદગાર દિવસ
Next articleસરદાર પટેલે અશક્ય કામ પૂર્ણ કરી બતાવ્યું હતું : મોદી